શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉં કરી જનાર પિન્ટુ ભાવસાર સામે EDએ લાલ આંખ કરી છે. તપાસમાં 110 કિલો ચાંદી અને 1 કિલોથી વધુ સોનું જપ્ત કરાયું છે. જાણો સમગ્ર કૌભાંડની વિગત.

અમદાવાદ, શનિવાર
જો તમે શેરબજારમાં રોકાણ કરવાનું વિચારતા હોવ તો ચેતી જજો, કારણ કે બજારમાં એવા ગઠિયા સક્રિય છે જે તમને ઊંચા વળતરની લાલચ આપીને તમારી જીવનભરની મૂડી ધોઈ નાખી શકે છે. આવા જ એક મોટા કૌભાંડનો પર્દાફાશ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અમદાવાદ ઝોનલ ઓફિસે કર્યો છે. શેરબજારમાં રોકાણના બહાને સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી આચરનારાઓ સામે EDએ મોટી કાર્યવાહી કરી છે અને કરોડો રૂપિયાની કિંમતનું સોનું-ચાંદી કબજે કર્યું છે.
કોણ છે આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ?
આ આખા કૌભાંડના કેન્દ્રમાં હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર નામનો શખ્સ છે. EDની તપાસમાં સામે આવ્યું છે કે પિન્ટુ ભાવસાર જ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. તેણે અને તેના સાગરીતોએ મળીને મહેસાણા, વિસનગર અને વડનગર જેવા વિસ્તારોમાં પોતાની ઓફિસો ખોલી હતી. લોકોનો વિશ્વાસ જીતવા માટે તેઓએ ઓફિસમાં કર્મચારીઓ પણ રાખ્યા હતા.
આ ઠગ ટોળકીની કામ કરવાની પદ્ધતિ એવી હતી કે, તેમના કર્મચારીઓ સામાન્ય લોકોને ફોન કરતા અને શેરબજારમાં રોકાણ કરવાથી ખૂબ મોટો નફો થશે તેવી લોભામણી લાલચો આપતા હતા. ભોળા રોકાણકારો તેમની વાતોમાં આવી જઈને લાખો રૂપિયા રોકતા હતા. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, રોકાણકારો પાસેથી લીધેલા આ પૈસા ક્યારેય શેરબજારમાં રોકવામાં આવતા જ નહોતા! આરોપીઓ આ પૈસાનો ઉપયોગ પોતાની અંગત મોજશોખ અને મિલકતો વસાવવા માટે કરતા હતા.
EDએ ભોંયરામાંથી ખોદી કાઢ્યું કાળું ધન
EDએ જ્યારે આ મામલે તપાસ તેજ કરી ત્યારે તેમની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી સંપત્તિ (Proceeds of Crime) તરીકે EDને મોટા પાયે સોનું, ચાંદી અને રોકડ રકમ મળી આવી છે. અધિકારીઓએ કરેલી જપ્તીની વિગત નીચે મુજબ છે:
ચાંદીની લગડીઓ: 110 કિલો (જેની અંદાજિત કિંમત 2.4 કરોડ રૂપિયા છે).
સોનાની લગડીઓ: 1.296 કિલો (જેની કિંમત આશરે 1.7 કરોડ રૂપિયા છે).
ચાંદીના દાગીના: 39.7 કિલો.
રોકડ રકમ: 38.8 લાખ ભારતીય રૂપિયા અને 10.6 લાખ રૂપિયાનું વિદેશી ચલણ.
આ ઉપરાંત અનેક બેનામી સંપત્તિઓના દસ્તાવેજો પણ તપાસ એજન્સીના હાથમાં આવ્યા છે.
SEBIના નિયમોના લીરેલીરા ઉડાવ્યા
તપાસમાં એક મહત્વની ટેકનિકલ બાબત પણ સામે આવી છે. મુખ્ય આરોપી હિમાંશુ ભાવસાર પાસે SEBI નું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનું સર્ટિફિકેટ હતું. પરંતુ તેણે આ સર્ટિફિકેટનો દુરુપયોગ કર્યો હતો. તેણે વિશ્વાસ સ્ટોક્સ રિસર્ચ પ્રા. લિ., દલાલ સ્ટોક્સ એડવાઇઝરી અને દેવકી સ્ટોક્સ જેવી કંપનીઓ બનાવી હતી, જે SEBI માં રજિસ્ટર્ડ નહોતી. એટલે કે, કાયદાની આંખમાં ધૂળ નાખીને ગેરકાયદેસર રીતે લોકોના પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા હતા.
10 કરોડથી વધુનું ફૂલેકું ફેરવ્યું
આ કેસની શરૂઆત મહેસાણાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR થી થઈ હતી. મામલો ગંભીર હોવાથી EDએ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ તપાસ પોતાના હાથમાં લીધી હતી. અત્યાર સુધીની તપાસમાં આ ટોળકી વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં કુલ 7 જેટલી પોલીસ ફરિયાદો નોંધાઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ આ ઠગ ટોળકીએ આશરે 10.87 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું મનાય છે.











