બાંગ્લાદેશની યુનુસ સરકારે 2026 માટે જાહેર કરેલી રજાઓની યાદીમાં હિન્દુઓના મુખ્ય તહેવારો જેવી કે જન્માષ્ટમી અને સરસ્વતી પૂજાની રજાઓ પર કાતર ફેરવી દીધી છે. આ નિર્ણયથી ધાર્મિક લાગણી દુભાઈ છે. જાણો શું છે સમગ્ર વિવાદ.

બાંગ્લાદેશ, શનિવાર
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિન્દુ લઘુમતીઓ માટે સ્થિતિ વધુને વધુ ચિંતાજનક બની રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશની વચગાળાની મોહમ્મદ યુનુસ સરકાર દ્વારા વર્ષ 2026 માટે સરકારી રજાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટ બહાર પડતાની સાથે જ દેશભરમાં મોટો ધાર્મિક અને રાજકીય વિવાદ છેડાઈ ગયો છે. આરોપ છે કે નવી સરકારે હિન્દુઓના મહત્વના તહેવારોની રજાઓ છીનવી લીધી છે.
હિન્દુ તહેવારો અને મજૂર દિવસની રજા રદ
સરકારના નવા નોટિફિકેશન મુજબ, હવે બાંગ્લાદેશમાં હિન્દુઓના પવિત્ર તહેવારો જેવા કે સરસ્વતી પૂજા, જન્માષ્ટમી અને મહાલયા પર કોઈ સત્તાવાર રજા રહેશે નહીં. આ દિવસે શાળાઓ, કોલેજો અને અન્ય સરકારી સંસ્થાઓ રાબેતા મુજબ ખુલ્લી રહેશે. માત્ર હિન્દુ તહેવારો જ નહીં, પરંતુ બુદ્ધ પૂર્ણિમા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાતા મે દિવસની રજા પણ રદ કરી દેવામાં આવી છે.
આ નિર્ણયને કારણે લઘુમતી સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, યુનુસ સરકાર જાણીજોઈને હિન્દુઓના અધિકારો પર તરાપ મારી રહી છે અને આવા નિર્ણયોથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. બીજી બાજુ, રમઝાન અને ઈદ-ઉલ-ફિત્રની રજાઓ યથાવત રાખવામાં આવી છે, જોકે તેમાં પણ અગાઉના વર્ષો કરતા દિવસોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશનો ઈતિહાસ ભૂંસવાનો પ્રયાસ?
આ વિવાદ માત્ર ધાર્મિક રજાઓ પૂરતો સીમિત નથી. બાંગ્લાદેશના અસ્તિત્વ સાથે જોડાયેલા ભાષા આંદોલનના ઐતિહાસિક દિવસને પણ યાદીમાંથી બાકાત રાખવામાં આવતા લોકો ગુસ્સે ભરાયા છે. 21 ફેબ્રુઆરી, જેને ‘ભાષા શહીદ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે, તેનો ઉલ્લેખ સત્તાવાર રજાઓના લિસ્ટમાં કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, 1952 નું ભાષા આંદોલન બાંગ્લાદેશના નિર્માણનો પાયો ગણાય છે. વિવેચકો આરોપ લગાવી રહ્યા છે કે, યુનુસ સરકાર દેશના ઈતિહાસમાંથી મુક્તિ સંગ્રામ અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના પ્રદાનને ભૂંસવા માંગે છે અને આ નિર્ણય તેનો જ એક ભાગ છે.
સરકારનો લૂલો બચાવ
ચારેતરફથી ટીકાઓનો સામનો કરી રહેલી સરકારના સૂત્રોએ બચાવ કરતા કહ્યું છે કે, વર્ષ 2026 માં 21 ફેબ્રુઆરીએ શનિવાર આવે છે. બાંગ્લાદેશમાં શનિવાર સાપ્તાહિક રજાનો દિવસ હોવાથી તેનો અલગથી ઉલ્લેખ કરાયો નથી. જોકે, સરકારની આ દલીલ લોકોને ગળે ઉતરતી નથી. જાગૃત નાગરિકો દલીલ કરી રહ્યા છે કે, વર્ષ 2025 માં પણ આ દિવસે સાપ્તાહિક રજા હોવા છતાં તેને ‘ભાષા દિવસ’ તરીકે નોટિફિકેશનમાં ખાસ દર્શાવવામાં આવ્યો હતો. તો 2026 માં અચાનક કેમ હટાવી લેવાયો? હાલમાં યુનુસ સરકારના આ નિર્ણયો સામે સોશિયલ મીડિયા અને જનમાનસમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે.











