ગુજરાતમાં ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ પર નિયંત્રણ લાવવા કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવા GSEB અધ્યક્ષની અધ્યક્ષતામાં 8-સભ્યોની કમિટીની રચના. ફી, અભ્યાસક્રમ, અને સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ નિયંત્રિત કરવા સરકારનું મોટું પગલું.

અમદાવાદ, બુધવાર
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં ટૂંક સમયમાં એક મોટો ફેરફાર આવવાનો છે. રાજ્ય સરકારે ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ પર નિયંત્રણ લાવવા માટે એક નવો કાયદો બનાવવાનો નિર્ણય લીધો છે. આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષના વડપણ હેઠળ એક વિશેષ 8-સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે.
કમિટીમાં કોનો સમાવેશ?
આ હાઇ-પાવર કમિટીમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ, કમિશ્નર, શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના અન્ય નિષ્ણાત વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 8 મેમ્બરની કમિટી ખાનગી ટ્યુશન વર્ગો માટેના નિયમો અને ધારાધોરણો નો ડ્રાફ્ટ તૈયાર કરશે.
કાયદાનો મુખ્ય હેતુ શું છે?
આ પ્રસ્તાવિત કાયદો ટ્યુશન ક્લાસની ફી, અભ્યાસક્રમ, સલામતીના ધોરણો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે.
આ ડ્રાફ્ટ કાયદાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શકતા અને જવાબદારી લાવવાનો છે, જે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ હશે.
આ કાયદો લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે થતાં શોષણથી રક્ષણ મળશે. આનાથી ખાનગી ટ્યુશન ક્લાસની મનમાની પર અંકુશ આવશે અને એક સુવ્યવસ્થિત શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં મદદ મળશે.
આ કાયદાનો મુસદ્દો અંતિમ મંજૂરી અને અમલીકરણ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવશે. સરકારની મંજૂરી બાદ આ કાયદો ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ કરશે.











