ભારત સરકારે અરુણાચલ પ્રદેશમાં સિઆંગ નદી પર 11,000 મેગાવોટથી વધુ વીજળી પેદા કરવા માટે દેશનો સૌથી મોટો અને 280-મીટર ઊંચો ડેમ બનાવવાનો મેગા પ્લાન શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ચીન દ્વારા બ્રહ્મપુત્રા (યારલુંગ ત્સાંગપો) નદી પર નિર્માણાધીન વિશાળ ડેમનો સામનો કરીને જળ-સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

નવી દિલ્હી, બુધવાર
ચીનની જળ-નીતિ અને તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર તેના વિશાળ ડેમના નિર્માણને જોતાં, ભારત સરકારે એક મોટો અને વ્યૂહાત્મક જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. સરકારે અરુણાચલ પ્રદેશમાં સિઆંગ નદી પર એક મહત્ત્વાકાંક્ષી હાઇડ્રોપાવર અને જળ-સુરક્ષા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે.
રિપોર્ટસ અનુસાર, આ પ્રોજેક્ટ હેઠળ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો અને લગભગ 280-મીટર ઊંચો બંધ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય લક્ષ્યાંક 11200 થી 11600 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો છે, પરંતુ તેનો સૌથી મોટો ઉદ્દેશ માત્ર પાવર જનરેશન નથી; તે ચીનના પગલાં સામે દેશને જળ-સુરક્ષા કવચ આપવાનો છે.
ચીનનો ‘વોટર બોમ્બ’: ભારત માટે ખતરો
હાલમાં, ચીન તિબેટના યારલુંગ ત્સાંગપો વિસ્તારમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી વિશાળ ડેમ બનાવી રહ્યું છે. આ પ્રોજેક્ટને ભારતીય અધિકારીઓ દ્વારા ‘વોટર બોમ્બ’ સમાન ગણવામાં આવી રહ્યો છે. જો ચીન કોઈ પણ ચેતવણી વગર અચાનક પાણી છોડે કે રોકે, તો અરુણાચલ પ્રદેશમાં સિઆંગ નદીના કિનારે અને આસામ સુધી વિનાશક પૂર આવી શકે છે, અથવા તો પાણીનો ફ્લો રોકાઈ જવાથી ભયંકર દુષ્કાળ જેવી પરિસ્થિતિ પેદા થઈ શકે છે.
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ પણ ચીનના ડેમને ‘વોટર બોમ્બ’ ગણાવીને આદિવાસી સમાજના અસ્તિત્વ માટે ખતરો ગણાવ્યો છે. ચીને અત્યાર સુધી કોઈ પણ આંતરરાષ્ટ્રીય જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી, જેના કારણે જોખમ ઘટાડવા માટે ટ્રાન્સપરન્સીનો મોટો અભાવ છે.
ભારતનો ડેમ: નેશનલ સિક્યુરિટી માટેનું કવચ
ભારત દ્વારા અરુણાચલમાં તૈયાર થઈ રહેલા આ વિશાળ બંધને રાષ્ટ્રીય સુરક્ષાના એક ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. અધિકારીઓ સ્પષ્ટપણે માને છે કે, ચીનના મોટા ડેમનો સામનો કરવા માટે ભારતે પણ એક મોટો બંધ બનાવવો અનિવાર્ય છે.
આ બંધ એક સુરક્ષા કવચ તરીકે કામ કરશે. તે ચીન દ્વારા અચાનક છોડવામાં આવેલા પાણીને નિયંત્રિત કરીને પૂરના વિનાશને અટકાવી શકશે, અને સાથે જ પાણી રોકાય ત્યારે દુષ્કાળની પરિસ્થિતિમાં વોટર રિલીઝ કરીને સંતુલન જાળવી શકશે. આ પ્રોજેક્ટ સિઆંગ નદીની ઘાટીની જનતા માટે એક જીવનરેખા સમાન બની રહેશે.
સ્થાનિક સ્તરે, રાજ્યના મંત્રી ઓજિંગ તેસિંગએ દાવો કર્યો છે કે લગભગ 70 ટકા સ્થાનિક લોકો આ પ્રોજેક્ટના સમર્થનમાં છે, જ્યારે કેટલાક લોકો માહિતીના અભાવે વિરોધ કરી રહ્યા છે. આ મેગા પ્રોજેક્ટ માત્ર વીજળી નહીં, પણ દેશ માટે વ્યૂહાત્મક સ્થિરતા પણ સુનિશ્ચિત કરશે.











