ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે

દક્ષિણ ભારતમાં ત્રાટકેલા અર્નબ વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના વાતાવરણમાં પલટાની આગાહી કરી છે. દરમિયાન આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક પંથકોમાં અચાનક માવઠું પડતાં ખેડૂતોની ચિંતા વધી છે.
ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પંથકમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોરના સમયે અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરિણામે બફારાથી પરેશાન લોકોને રાહત મળી હતી. જોકે, બીજી તરફ ખેતરોમાં તૈયાર ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
Cyclone Arnab Impact: માવઠાથી ખેડૂતોની ચિંતા વધી
હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ખરીફ પાક તૈયાર થઈ ગયો છે. મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ લણણીની કામગીરી પણ શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં અચાનક પડેલા કમોસમી વરસાદથી ખેતરોમાં રહેલા પાકને નુકસાન થવાની શક્યતા છે.
ખાસ કરીને લણણી કરેલો પાક ખેતરમાં ખુલ્લો પડ્યો હોય તો વરસાદથી તેને નુકસાન થઈ શકે છે. આથી માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.
મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદ
અમદાવાદમાં દિવસભરના ઉકળાટ બાદ સમી સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. બીજી તરફ ઉત્તર ગુજરાતના મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો.સાબરકાંઠાના ઈડર તાલુકા ઉપરાંત બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યાના અહેવાલ છે. આગામી બે દિવસ હવામાનમાં પલટાની આગાહી વચ્ચે ખેડૂતો અને નાગરિકોની નજર હવે હવામાનની સ્થિતિ પર રહેશે.










