વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડી ખાતે તેમણે ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડી ખાતે તેમણે ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન એકતાનગર પહોંચ્યા હતા. અહીં તેમણે ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કર્યું હતું.
ભારત પર્વના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન આનંદ મઠ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ નર્મદા ઘાટ ખાતે યોજાનારી નર્મદા આરતીમાં પણ સહભાગી થશે.
1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ચાલશે ભારત પર્વ
એકતાનગરમાં યોજાનાર ભારત પર્વ 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ચાલશે. આ કાર્યક્રમમાં દેશનાં વિવિધ રાજ્યોની કલા, સંસ્કૃતિ, પરંપરા અને પ્રવાસન સ્થળોની ઝલક જોવા મળશે.પ્રવાસીઓને એક જ સ્થળે ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યનો અનુભવ કરાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. અહીં વિવિધ રાજ્યોનાં પરંપરાગત વ્યંજનોનો સ્વાદ માણવાની તક પણ મળશે.
નર્મદા આરતીમાં સહભાગી થશે વડાપ્રધાન મોદી
નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 8:15થી 8:45 વાગ્યા સુધી નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતીમાં સહભાગી થશે. ત્યારબાદ તેઓ રાત્રે 8:45 વાગ્યા પછી સર્કિટ હાઉસ જવા રવાના થશે.બીજા દિવસે એટલે કે 31 ઓક્ટોબરે તેઓ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમોમાં ભાગ લેશે.
31 ઓક્ટોબરે IRCTCની નવી હોટેલનું લોકાર્પણ
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 31 ઓક્ટોબર 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એકતાનગરમાં IRCTCની નવી હોટેલનું લોકાર્પણ કરવામાં આવશે. એકતાનગર રેલવે સ્ટેશન નજીક ₹52.50 કરોડના ખર્ચે આ આધુનિક હોટેલ બનાવવામાં આવી છે.
127 રૂમ ધરાવતી આ હોટેલ પ્રવાસીઓને ગુણવત્તાયુક્ત રોકાણ સુવિધા પૂરી પાડશે. આશરે બે એકર વિસ્તારમાં બનેલી હોટેલમાં ચાર પ્રકારના રૂમ, રેસ્ટોરન્ટ, કેફેટેરિયા, બેન્ક્વેટ હોલ અને કોન્ફરન્સની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્વિમિંગ પૂલ અને આકર્ષક પરિસર પણ તૈયાર કરવામાં આવ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને મળશે સુવિધા
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસનાં પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આ હોટેલ ઉપયોગી બનશે. રેલવે સ્ટેશનની નજીક હોવાથી મુસાફરોને પણ તેનો લાભ મળશે.
એકતાનગરમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં નવી હોટેલથી રોકાણની સુવિધામાં વધારો થશે.સાથે જ હોટેલ સંચાલન, હાઉસકીપિંગ, ખાણીપીણી અને અન્ય સેવાઓમાં રોજગારીની નવી તકો ઊભી થવાની આશા છે. આ સુવિધા સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપી શકે છે.










