જાણો ગુજરાતનો પ્રથમ અન્ડરગ્રાઉન્ડ માઈનિંગ પ્રોજેક્ટ, અંબાજી કોપર પ્રોજેક્ટ વિશે. કેવી રીતે આ 22,000 કરોડનો પ્રોજેક્ટ ગુજરાતમાં રોજગારીની તકો ઊભી કરશે અને ભારતને તાંબાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવશે.

અંબાજી, મંગળવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત એક મોટું કદમ ઉઠાવી રહ્યું છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા અંબાજી ખાતે એક મહત્વાકાંક્ષી કોપર પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે, જે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગેમ-ચેન્જર સાબિત થશે. આ પ્રોજેક્ટ ગુજરાતનો પ્રથમ અન્ડરગ્રાઉન્ડ માઈનિંગ પ્રોજેક્ટ હશે અને તે દેશમાં તાંબાની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
22,000 કરોડનો ખનિજ ભંડાર
અંબાજી કોપર પ્રોજેક્ટ 185 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે અને અહીં તાંબુ, સીસું અને જસતનો વિપુલ ભંડાર મળી આવ્યો છે. GMDCના અંદાજ મુજબ, આ ખનિજોનો કુલ જથ્થો લગભગ 1 કરોડ ટન છે, જેની કિંમત 22,000 કરોડ જેટલી છે. ખાસ કરીને તાંબાનો હિસ્સો 18,000 કરોડનો છે, જે આ પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે ટોપ-10 કોપર એસેટ્સમાં સ્થાન આપે છે.
આ પ્રોજેક્ટમાં સંશોધન, માઈનિંગ અને પ્રોસેસિંગ એક જ અત્યાધુનિક સુવિધામાં થશે, જેનાથી ઉત્પાદન અને સપ્લાયની પ્રક્રિયા વધુ સરળ બનશે. હાલમાં ભારત પોતાની તાંબાની જરૂરિયાતનો 90% હિસ્સો આયાત કરે છે. અંબાજી પ્રોજેક્ટ શરૂ થવાથી ભારતની તાંબાની કુલ જરૂરિયાતના લગભગ પાંચમા ભાગની પૂર્તિ થઈ શકશે, જે દેશને આત્મનિર્ભરતા તરફ આગળ ધપાવશે.
રોજગારીની તકો અને આર્થિક વિકાસ
ઇન્ડિયન બ્યુરો ઓફ માઈન્સે આ પ્રોજેક્ટ માટેના માઈનિંગ પ્લાનને મંજૂરી આપી દીધી છે. GMDCના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ 2,200થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન કરશે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતના પ્રાદેશિક વિકાસને પણ વેગ આપશે અને આ વિસ્તારને ઔદ્યોગિક નકશા પર એક નવું સ્થાન અપાવશે.
તાંબુ એ આધુનિક માળખાગત સુવિધાઓનો પાયો છે. ઇલેક્ટ્રિક વાહનો, પાવર ગ્રીડ અને રિન્યુએબલ એનર્જી સિસ્ટમ્સમાં તેની વધતી જતી માગ જોતાં આ પ્રોજેક્ટનું મહત્વ અનેકગણું વધી જાય છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતમાં રિફાઇન્ડ કોપરનું ઉત્પાદન 5.73 લાખ ટન સુધી પહોંચ્યું હતું, જે વાર્ષિક ધોરણે 12.5%નો વધારો દર્શાવે છે. અંબાજી પ્રોજેક્ટ આ ગતિને વધુ તેજ બનાવશે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ચર્ચાનું કેન્દ્ર
આગામી 9 અને 10 ઓક્ટોબરના રોજ મહેસાણા ખાતે યોજાનારી ઉત્તર ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં અંબાજીનો કોપર માઈનિંગ પ્રોજેક્ટ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બનશે. 9 ઓક્ટોબરના રોજ GMDC દ્વારા આ પ્રોજેક્ટના મહત્વપૂર્ણ પાસાઓ પર એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.











