ઈન્ડોનેશિયાએ ક્વોલિટીના કારણોસર ભારતીય સિંગદાણાની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, જેનાથી 35% નિકાસ બજારને ફટકો પડ્યો છે. જાણો આ નિર્ણયની ભારતીય નિકાસકારો, ખેડૂતો અને સ્થાનિક બજાર પર શું અસર થશે.

નવી દિલ્હી, મંગળવાર
ભારતના સિંગદાણા નિકાસકારો માટે એક મોટા માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતના સૌથી મોટા ખરીદદારોમાંના એક, ઈન્ડોનેશિયાએ અચાનક સિંગદાણાની આયાત અટકાવી દીધી છે, જેના કારણે સમગ્ર એક્સપોર્ટ માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે.
આ નિર્ણયથી ભારતીય નિકાસકારોની ચિંતા એટલા માટે વધી છે કારણ કે દેશમાંથી થતી કુલ સિંગદાણાની નિકાસનો લગભગ 35% હિસ્સો એકલો ઈન્ડોનેશિયા ખરીદે છે. આંકડામાં વાત કરીએ તો, ગયા વર્ષે ભારતે કુલ 795 મિલિયન ડોલરના સિંગદાણાની નિકાસ કરી હતી, જેમાંથી આશરે 280 મિલિયન ડોલરની નિકાસ માત્ર ઈન્ડોનેશિયામાં થઈ હતી. આટલું મોટું માર્કેટ અચાનક બંધ થવાથી નિકાસકારોની હાલત કફોડી બની છે.
રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડોનેશિયાએ માલની ગુણવત્તા બાબતે કેટલાક ઈશ્યુ ઉભા કર્યા છે. નવાઈની વાત એ છે કે કેટલાક કિસ્સાઓમાં તો માલ મોકલ્યાના ત્રણ-ત્રણ મહિના પછી ક્વોલિટી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જેના કારણે આ પ્રતિબંધ પાછળ કોઈ અન્ય કારણ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. હાલ, ભારત સરકાર આ મુદ્દે ઈન્ડોનેશિયા સાથે રાજદ્વારી સ્તરે વાતચીત કરી રહી છે જેથી આ સમસ્યાનો જલદીથી કોઈ ઉકેલ લાવી શકાય.
આ નિકાસ પ્રતિબંધની સીધી અસર સ્થાનિક બજાર અને ખેડૂતો પર પણ પડી રહી છે. આ વર્ષે દેશમાં ખરીફ સીઝનમાં લગભગ 48 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. ખેડૂતોને પહેલાથી જ બજારમાં ટેકાના ભાવ (MSP) કરતાં ઘણા ઓછા ભાવ મળી રહ્યા છે. સરકાર દ્વારા નક્કી કરાયેલ ટેકાનો ભાવ 7263 પ્રતિ ક્વિન્ટલ છે, જ્યારે બજારમાં ખેડૂતોને માત્ર 5682 જેવો ભાવ મળી રહ્યો છે. હવે નિકાસ પણ અટકતાં સ્થાનિક બજારોમાં ભાવો વધુ તૂટવાનો ભય છે.
સૌરાષ્ટ્રના બજારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ગોંડલમાં સિંગતેલના ભાવ ઘટીને 1300 રહ્યા હતા, જ્યારે કંડલા પોર્ટ પર પણ પામોલીન અને સોયાતેલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.











