અમદાવાદમાં પોલીસે 8.70 કરોડ રૂપિયાની કિંમતનો ગેરકાયદે ‘એમ્બરગ્રીસ’ (વ્હેલ માછલીની ઉલટી)નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સરખેજમાંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જાણો શું છે આ દુર્લભ પદાર્થ અને શા માટે તે આટલો કિંમતી છે.

અમદાવાદ, રવિવાર
ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણ હેઠળ પ્રતિબંધિત એમ્બરગ્રીસ, જેને સામાન્ય રીતે વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખવામાં આવે છે, તેની હેરાફેરી અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદ શહેરમાંથી પણ આવા જ એક મોટા જથ્થા સાથે 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં 8.70 કરોડ રૂપિયાની કિંમત ધરાવતો એમ્બરગ્રીસનો જથ્થો કબજે કર્યો છે.
8 કિલો 704 ગ્રામ એમ્બરગ્રીસ જપ્ત: પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા વોચ ગોઠવીને આ કામગીરી કરવામાં આવી હતી. સરખેજ-મકરબા ટોરન્ટ પાવર રોડ પર, નવા બની રહેલા ઓવરબ્રિજ નજીક આવેલા સત્યદીપ હાઈટ્સ પાસેથી પોલીસે 4 શખ્સોને શંકાના આધારે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે 8 કિલો 704 ગ્રામ વજનના એમ્બરગ્રીસના નાના-મોટા ટુકડાઓ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 8,70,40,000 રૂપિયા જેટલી થાય છે.
સુરતથી લાવી અમદાવાદમાં વેચવાનો હતો પ્લાન: આ ઝડપાયેલા આરોપીઓની ઓળખ રિંકુસિંહ સમરબહાદુરસિંહ રાજપુત (ઉંમર 21), શષાંક પાંડે (ઉંમર 29), એજેક્સ વ્યાસ (ઉંમર 23) અને જતીન પાટીલ (ઉંમર 25) તરીકે થઈ છે. આ આરોપીઓ અમદાવાદના નરોડા અને ન્યુ મણિનગર વિસ્તારના રહેવાસી હોવાનું જણવા મળ્યું છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ખુલાસો કર્યો કે, તેઓ આ એમ્બરગ્રીસનો જથ્થો સુરતમાં રહેતા બિપિન સોલંકી નામના શખસ પાસેથી લાવ્યા હતા અને અમદાવાદમાં ગ્રાહકો શોધી રહ્યા હતા ત્યારે જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
શું હોય છે આ ‘વ્હેલની ઉલટી’ (એમ્બરગ્રીસ)? આ પદાર્થને સામાન્ય રીતે વ્હેલ માછલીની ઉલટી કહેવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે તે થોડું અલગ છે. હકીકતમાં, ‘એમ્બરગ્રીસ’ શબ્દનો અર્થ ફ્રેન્ચ ભાષામાં ‘ગ્રે અંબર’ થાય છે. તે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બનતો એક મીણ જેવો પદાર્થ છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ હોવાથી તેના અવશેષોનો વેપાર પણ ગેરકાયદેસર ગણાય છે.
વિજ્ઞાનીઓ હજુ પણ એમ્બરગ્રીસ કેવી રીતે બને છે તે વિશે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. એક સિદ્ધાંત મુજબ, જ્યારે વ્હેલ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવો ખાય છે અને તે પદાર્થોનું કદ મોટું હોય છે, ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડામાં આ ખાસ પદાર્થ બને છે.
એમ્બરગ્રીસ વ્હેલના શરીરમાંથી ઘણી રીતે બહાર આવે છે. ઘણીવાર તે ગુદા દ્વારા બહાર નીકળે છે અને શરૂઆતમાં તેનો રંગ મળ જેવો હોય છે, જેમાં તીવ્ર ગંધ સાથે દરિયાની ગંધ પણ ભળેલી હોય છે. જ્યારે તે શરીરમાંથી નીકળે છે, ત્યારે તેનો રંગ આછો પીળો અને તેની રચના જાડી ચરબી જેવી હોય છે. જોકે, સમય જતાં તે ઘાટો લાલ, કાળો અથવા રાખોડી રંગનો બની જાય છે અને તેની ગંધ માટી જેવી સુગંધમાં પરિવર્તિત થાય છે.
આટલો મોંઘો કેમ છે એમ્બરગ્રીસ? આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત પ્રતિ કિલો 1થી 2 કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે. તેની કિંમત તેની શુદ્ધતા અને ગુણવત્તા પર આધાર રાખે છે. આ પદાર્થ અત્યંત દુર્લભ હોવાથી તેની માંગ અને કિંમત બંને ખૂબ ઊંચા રહે છે.
મુખ્યત્વે, પરંપરાગત રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ મોંઘા પર્ફ્યુમ બનાવવામાં થાય છે, કારણ કે તે સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે. ભૂતકાળમાં તેનો ઉપયોગ ખાવામાં, તમાકુ અને આલ્કોહોલમાં ફ્લેવરિંગ એજન્ટ તરીકે પણ થતો હતો. ઉપરાંત, એવી પણ માન્યતા છે કે એમ્બરગ્રીસ જાતીય શક્તિ વધારવામાં મદદ કરે છે, જેના કારણે પણ તેની માંગ ઘણી છે. મધ્ય પૂર્વ, પૂર્વી યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં તેની ખૂબ જ માંગ રહે છે.











