હર્ષ સંઘવી: પોલીસનો દંડો ગુનેગારો માટે જ છે, સામાન્ય નાગરિકો માટે નહીં!

હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને બિરદાવતા કહ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે જંગ છેડ્યો છે.

સુરત, રવિવાર
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સુરત શહેરમાં અલથાણ પોલીસ સ્ટેશનના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પોલીસની કામગીરી અને ગુનેગારો પ્રત્યે કડક વલણ અપનાવવા પર ભાર મૂક્યો હતો, સાથે જ સામાન્ય નાગરિકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે CCTV ટ્રાફિક કંટ્રોલ રૂમનું પણ ઉદ્ઘાટન કર્યું, જે સુરતની ટ્રાફિક વ્યવસ્થા અને ગુના નિયંત્રણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ગુનેગારોને પોલીસનો ડર હોવો જ જોઈએ!
અલથાણ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુનેગારોને પોલીસનો ડર જરૂરથી હોવો જોઈએ. પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ. તેમણે પોલીસકર્મીઓને આપેલી તમામ સત્તાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરતા કહ્યું કે, જો વધુ ઉપયોગ કરો તો ડબલ કરજો, હું તમારી સાથે છું. પોલીસને અપાયેલો દંડાનો ઉપયોગ થવો જ જોઈએ, પરંતુ તે સામાન્ય નાગરિકને હેરાન કરનારા લોકો માટે જ રાખવામાં આવ્યો છે, અને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ થવો જોઈએ. સામાન્ય માણસમાં પોલીસનો ડર ન હોવો જોઈએ.

ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશની સરાહના
હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને બિરદાવતા કહ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે જંગ છેડ્યો છે. 70થી વધુ પાકિસ્તાની, ઈરાની અને ડ્રગ્સ લાવતા દુષણખોરોને પકડવાનું કામ કરવામાં આવ્યું છે. તેમણે નાગરિકોને અપીલ કરી કે જો તેમને ડ્રગ્સ સંબંધિત કોઈ પણ માહિતી મળે તો પોલીસ સ્ટેશન સુધી પહોંચાડે, અને જો પોલીસ કાર્યવાહી ન કરે તો તેમને સીધો ફોન કરે, કારણ કે તેમનો નંબર બધા પાસે છે.

નશાકારક દવાઓ વેચતા મેડિકલ સ્ટોર્સ પર રેડ
મંત્રીએ તાજેતરમાં 7500થી વધુ મેડિકલ સ્ટોર્સ પર કરવામાં આવેલી રેડ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમને માહિતી મળી હતી કે યુવાનો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કેટલીક દવાની દુકાન ઉપરથી નશાકારક દવા લઈ તેનો નશો કરતા હતા. આ માહિતીના આધારે, 48 કલાકમાં આખા ગુજરાતમાં બપોરે 12 વાગ્યે એક સાથે 7500થી વધુ મેડિકલ સ્ટોર્સ પર રેડ કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અપાતી દવાઓ જ્યાંથી મળી ત્યાં NDPS એક્ટના આધારે ગુનો દાખલ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. તેમણે ગર્વભેર જણાવ્યું કે, એક સાથે પૂરા રાજ્યમાં આવું પગલું ભરનાર ગુજરાત પહેલું રાજ્ય છે. સંઘવીએ દવાની દુકાન ધરાવતા લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો જેમણે પોલીસની કામગીરીમાં સહકાર આપ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે આગામી દિવસોમાં આવું કોઈ પકડાશે તો ડ્રગ્સ વેચવાવાળા સામે જે કાર્યવાહી થાય છે તે જ રીતે તેની કાર્યવાહી થશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!