યુરોપમાં ગરમીનો કહેર: પેરિસમાં 147 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પારો 44 ડિગ્રીને પાર, ફ્રાન્સમાં 40 લોકોના કમકમાટીભર્યા મોત

ફ્રાન્સ અને યુરોપમાં ભયાનક હીટવેવથી હાહાકાર! પેરિસમાં ગરમીએ 147 વર્ષનો રેકોર્ડ તોડ્યો, પારો 44 ડિગ્રીને પાર. 40થી વધુ લોકોના મોત. જાણો ગરમીના કહેરની સંપૂર્ણ વિગત.

યુરોપ, શુક્રવાર
યુરોપમાં અત્યારે આકાશમાંથી જાણે આગ વરસી રહી છે. ભયાનક હીટવેવના કારણે કરોડો લોકોની હાલત કફોડી બની ગઈ છે. આ આબોહવા સંકટમાં સૌથી ખરાબ સ્થિતિ ફ્રાન્સની છે, જ્યાં ગરમીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. ફ્રાન્સના રાષ્ટ્રીય હવામાન વિભાગ ‘મેટિયો-ફ્રાન્સ’ દ્વારા દેશના અડધાથી વધુ વિસ્તારોમાં સૌથી ઊંચા સ્તરનું ‘રેડ હીટ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકોને સાવચેત રહેવા કડક સૂચના આપી છે.

પેરિસમાં તૂટ્યો 147 વર્ષનો રેકોર્ડ
ફ્રાન્સના ઇતિહાસમાં અત્યારે સૌથી ગરમ દિવસો નોંધાઈ રહ્યા છે. રાજધાની પેરિસમાં આ અઠવાડિયે તાપમાન સતત 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું છે. જૂન મહિનામાં આટલી ગરમી અકલ્પનીય છે. પેરિસમાં 1872 થી 2019 સુધીના 147 વર્ષના ઇતિહાસમાં ક્યારેય જૂન મહિનામાં 40 ડિગ્રીવાળા આટલા બધા દિવસો જોવા મળ્યા ન હતા, જે રેકોર્ડ હવે તૂટી ગયો છે.

ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા પિસોસમાં તાપમાનનો પારો 44.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો, જે આ સીઝનનું સૌથી વધુ તાપમાન છે. દેશનું રાષ્ટ્રીય સરેરાશ તાપમાન પણ વધીને 29.8 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે.

ગરમી બની જીવલેણ: 40 થી વધુ મોત અને અકસ્માતો
આ હીટવેવ માત્ર અસહ્ય જ નથી, પણ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં ગરમીના કારણે સીધા 40 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી હૃદયદ્રાવક ઘટના એ છે કે, ગરમ કારમાં ફસાઈ જવાના કારણે માસૂમ બાળકોના પણ મોત થયા છે.

આ ઉપરાંત, ગરમીથી રાહત મેળવવા માટે લોકો નદીઓ, તળાવો અને નહેરોમાં ન્હાવા જઈ રહ્યા છે. પરંતુ સુરક્ષા વ્યવસ્થા કે દેખરેખ ન હોવાને કારણે ડૂબી જવાથી પણ ડઝનબંધ લોકોના મોત નીપજ્યા છે. ગરમીની ભયાનકતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે, ફ્રાન્સમાં એક બસમાં AC ના હોવાથી ડ્રાઈવર ચાલુ બસે બેભાન થઈ ગયો હતો, જેના કારણે બસનો મોટો અકસ્માત સર્જાયો હતો.

યુરોપ ગરમી સામે આટલું લાચાર કેમ છે?
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ ખતરનાક ગરમી પાછળ ‘હીટ ડોમ’ (Heat Dome) જવાબદાર છે. આ એક એવી સ્થિતિ છે જેમાં હાઈ પ્રેશર એરિયા ગરમ હવાને એક જ જગ્યાએ રોકી રાખે છે, જેને કારણે તાપમાન સતત વધે છે.

ફ્રાન્સ, ઇટાલી અને સ્પેન જેવા યુરોપિયન દેશોમાં સામાન્ય રીતે ક્યારેય આવી કાળઝાળ ગરમી પડતી નથી. આથી ત્યાંના જૂના મકાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી રીતે જ બન્યા છે જેમાં એર કંડિશનર (AC) ની જરૂર પડતી નથી. પરંતુ હવે અચાનક હવામાન બદલાતા લોકો AC વગરના ઘરોમાં શેકાવા મજબૂર બન્યા છે. માત્ર ફ્રાન્સ જ નહીં, બ્રિટનમાં પણ આ વર્ષે જૂન મહિનાના ઇતિહાસના સૌથી ગરમ દિવસો નોંધાયા છે.

ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે યુરોપ દુનિયાના અન્ય ખંડો કરતા વધુ ઝડપથી ગરમ થઈ રહ્યું છે. પ્રકૃતિ સાથે કરવામાં આવેલા ચેડાંનું આ પરિણામ ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક છે. જો હવે નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં આનાથી પણ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!