પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યાકાંડમાં મોટો વળાંક! ધરપકડ થતાં જ સિયા અને ચેતનનો પ્રેમ ગાયબ. બંનેએ એકબીજા પર ઢોળ્યો દોષનો ટોપલો. જાણો પોલીસ તપાસની લેટેસ્ટ વિગતો.

પુણે, શુક્રવાર
પુણેના જાણીતા બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યા કેસમાં હવે એક મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં જે ઘટના માત્ર એક સામાન્ય અકસ્માત લાગતી હતી, તે ખરેખર એક સુઆયોજિત મર્ડર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ કેસના મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના કથિત બોયફ્રેન્ડ ચેતન ચૌધરીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે, જેલના સળિયા પાછળ જતા જ આ બંને વચ્ચેનો કથિત પ્રેમ હવામાં ઓગળી ગયો છે અને હવે પોતાનો બચાવ કરવા તેઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.
લોકઅપમાં સામસામે આવ્યા સિયા અને ચેતન
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અને પોલીસની લેટેસ્ટ માહિતી મુજબ, પોલીસે બંને વિરુદ્ધ હત્યા અને ગુનાહિત કાવતરું ઘડવાના ગંભીર આરોપો હેઠળ કેસ દાખલ કર્યો છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જેવું આ બંનેને લોકઅપમાં ભેગા કરવામાં આવ્યા, કે તરત જ તેમનો અસલી ચહેરો સામે આવી ગયો. પૂછપરછ દરમિયાન બંને એકબીજા પર આરોપોનો વરસાદ કરી રહ્યા છે.
ચેતને પોલીસ સમક્ષ શું કહ્યું?
પોલીસ પૂછપરછમાં ચેતને પોતાનો બચાવ કરતા દાવો કર્યો છે કે, હત્યાનો પ્લાન તેનો નહોતો. તે તો માત્ર સિયાને લઈને ક્યાંક દૂર ભાગી જવા માંગતો હતો. પરંતુ, સિયા કોઈ પણ ભોગે કેતનને રસ્તામાંથી હટાવવા માંગતી હતી અને તેણે જ કેતનની હત્યા કરવા માટે ચેતન પર દબાણ કર્યું હતું.
સિયાએ પ્રેમી ચેતન પર કર્યા ગંભીર વાર
બીજી તરફ, સિયાએ પણ પોતાના બચાવમાં કોઈ કસર છોડી નથી. તેણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે કેતનને મારવાનો આખો માસ્ટરપ્લાન માત્ર ને માત્ર ચેતનનો જ હતો. સૌથી મોટો ખુલાસો કરતા સિયાએ કહ્યું કે, તેઓ અગાઉ 14 જૂન 2026 ના રોજ પણ કેતનની હત્યા કરવાનો પ્રયાસ કરવાના હતા. પરંતુ જ્યારે તે પ્લાન નિષ્ફળ ગયો, ત્યારે ચેતન ખૂબ રડ્યો હતો.
પોલીસ પાસે છે પાક્કા પુરાવા
બંને આરોપીઓ ભલે એકબીજા પર આરોપ લગાવીને બચવાની કોશિશ કરતા હોય, પરંતુ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓનું કહેવું છે કે તેમની પાસે આ બંને વિરુદ્ધ મજબૂત પુરાવા છે. આ પુરાવાઓ સાબિત કરે છે કે કેતનની હત્યામાં બંનેની સમાન ભાગીદારી હતી.
પોલીસ તપાસમાં એ વાત પણ ખૂલી છે કે 31 મે થી 4 જૂનની વચ્ચે સિયા અને ચેતન એક કેફેમાં મળ્યા હતા. હવે પોલીસ એ દિશામાં સઘન તપાસ કરી રહી છે કે શું આ ખતરનાક હત્યાનું કાવતરું એ કેફેની મુલાકાતો દરમિયાન જ ઘડાયું હતું કે કેમ.
હાલ પૂરતું તો એ સ્પષ્ટ છે કે પાપનો ઘડો ફૂટતા જ બંનેનો પ્રેમ સ્વાર્થમાં બદલાઈ ગયો છે. હવે જોવું એ રહ્યું કે પોલીસની ઊંડી તપાસમાં બીજા કયા નવા અને ચોંકાવનારા રાઝ પરથી પડદો ઊંચકાય છે. આગામી સમયમાં કોર્ટમાં રજૂ થનારા પુરાવા જ નક્કી કરશે કે અસલી માસ્ટરમાઈન્ડ કોણ હતું.











