ગલુદણ પાસે કથિત નશાની હાલતમાં ચાલકે મચાવ્યો આતંક, મોટી દુર્ઘટના ટળી : સ્થાનિકોએ ચાલકને બહાર કાઢી પોલીસને કરી જાણ, સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ

દહેગામ, તા. ૧૧ (ગિરીશ પટેલ) : દહેગામ-અમદાવાદ હાઇવે પર ગલુદણ ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદથી દહેગામ તરફ સોનાલિકાનું નવું ટ્રેક્ટર લઈને જઈ રહેલા એક કથિત દારૂડિયા ચાલકે હાઇવે પર ભારે હોબાળો મચાવ્યો હતો. ચાલકની બેદરકારીભરી ડ્રાઇવિંગને કારણે હાઇવે પર પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ટ્રેક્ટર ચાલક બેદરકારીભરી રીતે વાહન ચલાવી રહ્યો હતો અને હાઇવે પર બેફામરીતે ટ્રેક્ટર હંકારી રહ્યો હતો. થોડા સમય બાદ ગલુદણ નજીક ટ્રેક્ટર સીધું ડિવાઈડર પર ચઢી ગયું હતું. સદનસીબે તે સમયે સામે તરફથી કોઈ વાહન આવી રહ્યું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો તે સમયે ભારે વાહન અથવા અન્ય વાહન ત્યાંથી પસાર થયું હોત તો ગંભીર જાનહાનિ સર્જાઈ શકી હોત.
ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રેક્ટર પર રહેલો ચાલક બેભાન જેવી સ્થિતિમાં જોવા મળતા સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી તેને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટ્રેક્ટર ડિવાઈડર પર ચઢેલું અને સ્થાનિકો ચાલકને બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ચાલક ખરેખર નશાની હાલતમાં હતો કે નહીં, તેની તબીબી તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સાથે જ અકસ્માત પાછળનું સાચું કારણ શું તે જાણવા તપાસ ચાલી રહી છે.











