ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો તેમની હત્યાનું કાવતરું રચાશે તો 1,000 મિસાઈલો દ્વારા ઈરાનને તબાહ કરી દેવાશે, જ્યારે ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે તેમને અમેરિકા પર કોઈ વિશ્વાસ નથી.

અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો ફરી એકવાર અત્યંત તણાવપૂર્ણ બની ગયા છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી સૈન્ય ચેતવણી આપતા દાવો કર્યો છે કે, જો ઈરાની સરકાર તેમની હત્યા કે હત્યાના પ્રયાસનું કાવતરું રચશે, તો અમેરિકા તરફથી વિનાશક વળતો પ્રહાર કરવામાં આવશે.
ટ્રમ્પની ચેતવણી: “1,000 મિસાઈલો તૈનાત
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આક્રમક નિવેદન આપતા કહ્યું છે કે, “ઈરાન જો દુનિયાના કોઈ પણ ખૂણેથી મારી હત્યા કે હત્યાની સાજિશ કરશે, તો અમેરિકા તાત્કાલિક જવાબ આપશે.” ટ્રમ્પે વધુમાં દાવો કર્યો છે કે, 1,000 મિસાઈલો પહેલેથી જ ઈરાનને નિશાન બનાવીને તૈયાર છે અને જરૂર પડ્યે અન્ય હજારો મિસાઈલો પણ તૈનાત કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકી સેનાને દરેક પ્રકારની તૈયારી રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
સીઝફાયરનો અંત
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક અન્ય પોસ્ટમાં જણાવ્યું કે, ઈરાને અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખવાની વિનંતી કરી હતી, પરંતુ તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે બંને દેશો વચ્ચેનો ‘સીઝફાયર’ (યુદ્ધવિરામ) હવે સત્તાવાર રીતે ખતમ થઈ ચૂક્યો છે. આ જાહેરાત બાદ મધ્ય-પૂર્વમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.
ઈરાનનો વળતો પ્રહાર
ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બઘેર ગાલિબાફે અમેરિકાને કડક સંદેશ આપતા જણાવ્યું છે કે, ઈરાનને અમેરિકા પર “જરા પણ ભરોસો નથી.” તેમણે ઈન્ડોનેશિયાના અધિકારી સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, “અમેરિકા સાથે માત્ર તે જ દેશ વાતચીત કરી શકે જે યુદ્ધ માટે સંપૂર્ણ તૈયાર હોય. જે ક્ષણે અમેરિકા કોઈપણ કરારમાંથી પીછેહઠ કરશે, તે ક્ષણે અમે પૂરી તાકાત સાથે તેનો સામનો કરીશું.”











