ડ્રેનેજ લાઇનની સફાઈ દરમિયાન ત્રણ શ્રમિકો અંદર પડ્યા, ફાયર બ્રિગેડે ચલાવ્યું રેસ્ક્યુ ઓપરેશન : ઘટનાથી કર્મચારીઓમાં રોષ, સુરક્ષા વ્યવસ્થા અને જવાબદારી નક્કી કરવાની ઉઠી માંગ
અમદાવાદ, તા.૧૧ : અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઇનની સફાઈ દરમિયાન બનેલી ગંભીર દુર્ઘટનાએ વધુ એક જીવ લીધો છે. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બીજા શ્રમિકનું પણ સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક વધ્યો છે. આ દુર્ઘટનાએ હોસ્પિટલમાં શોક અને રોષનું વાતાવરણ સર્જ્યું છે.
માહિતી મુજબ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુએજ ટેન્કની સફાઈ દરમિયાન ત્રણ શ્રમિકો અચાનક અંદર પડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઝડપી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ત્રણેય શ્રમિકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે સારવાર દરમિયાન એક પછી એક બે શ્રમિકોના મોત થતાં ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.
આ ઘટનાને લઈને હોસ્પિટલના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અગાઉ 200થી વધુ હાઉસકીપિંગ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા અને ઘટનાની સંપૂર્ણ તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી તેમજ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી.
હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. દુર્ઘટના કેવી રીતે બની, સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં અને તેમાં કોઈ બેદરકારી રહી છે કે કેમ તે અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.











