જો અરવલ્લીની ગિરિમાળામાં ખનીજ ખોદકામ વધશે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ શકે છે. જાણો કેવી રીતે સાબરમતી જેવી નદીઓ અને આદિવાસી સંસ્કૃતિ પર જોખમ તોળાઈ રહ્યું છે અને કેમ થઈ રહ્યો છે તેનો વિરોધ.

અરવલ્લી, બુધવાર
ઉત્તર ભારતથી લઈને ગુજરાત સુધી વિસ્તરેલી અરવલ્લી પર્વતમાળા કુદરતની એક અમૂલ્ય ભેટ છે, પરંતુ હાલમાં આ પર્વતો પર વિનાશના વાદળો ઘેરાયેલા છે. વિકાસના નામે ખનીજ મેળવવા માટે કુદરતી સંપત્તિના નિકંદનની મંજૂરી મળતા પર્યાવરણની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. બનાસકાંઠાના જેસોર હિલથી દેખાતા રમણીય પહાડો અને વનરાજીના અદભૂત દ્રશ્યો પર હવે બુલડોઝરો ફરી વળવાની ભીતિ સેવાઈ રહી છે. આ સ્થિતિને કારણે દેશભરમાં અરવલ્લી બચાવો અભિયાન શરૂ થઈ ગયું છે, કારણ કે ઈકો સિસ્ટમનો સફાયો માનવ જીવન માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
રાજસ્થાનથી ગુજરાત સુધી વિરોધનો વંટોળ
સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ અરવલ્લી વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન પ્રવૃત્તિ વધવાની શક્યતાઓ વધી ગઈ છે. આ બાબતને લઈને સૌપ્રથમ રાજસ્થાનમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો, જેની અસર હવે ગુજરાત સુધી પહોંચી છે. પર્યાવરણવિદો સ્પષ્ટપણે માને છે કે જો પર્વતો કોતરી ખાવામાં આવશે તો માત્ર રાજસ્થાન જ નહીં, પરંતુ ગુજરાતને પણ મોટું નુકસાન વેઠવું પડશે. આ ભયના કારણે સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં લોકો રેલીઓ કાઢીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

ઉત્તર ગુજરાત પર રણ આગળ વધવાનું જોખમ
અરવલ્લીની ગિરિમાળા ભૌગોલિક રીતે ગુજરાત માટે એક મજબૂત રક્ષક દિવાલ સમાન છે. આ પર્વતો રાજસ્થાન તરફથી આવતા ગરમ પવનો અને રણની રેતીને ગુજરાતમાં પ્રવેશતા અટકાવે છે. નિષ્ણાતોના મતે, જો 100 મીટરની વ્યાખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો લગભગ 80 ટકા પર્વતો પર અસર થઈ શકે છે. જો આ કુદરતી દીવાલ તૂટી જશે તો રાજસ્થાનના રણની રેતી સીધી ઉત્તર ગુજરાતમાં પ્રવેશશે. પરિણામે, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની હાલની ફળદ્રુપ જમીન બંજર બની જાય અને ઉત્તર ગુજરાત રણ પ્રદેશમાં ફેરવાઈ જાય તો નવાઈ નહીં. આ સ્થિતિ ખેડૂતો માટે પાયમાલી નોતરી શકે છે.
નદીઓ અને જળસંકટની ભીતિ
અરવલ્લીની ગિરિમાળા ગુજરાતની જીવાદોરી સમાન સાબરમતી અને મેશ્વો નદીનું ઉદગમ સ્થાન છે. પર્યાવરણવિદ મહેશ પંડ્યાના જણાવ્યા અનુસાર, જો ગેરકાયદેસર ખનન દ્વારા પહાડો તોડી પાડવામાં આવશે તો આ બંને નદીઓમાં પાણીની આવક બંધ થઈ જશે. નદીઓ પર બાંધેલા ડેમો પાણી વિના ખાલી થઈ જશે, જેની સીધી અસર ખેતી અને પીવાના પાણી પર પડશે. પર્વતોની ઊંચાઈ ઘટવાથી માત્ર ગરમી જ નહીં વધે, પરંતુ જળસંકટ પણ ઘેરું બનશે.

આદિવાસી અસ્તિત્વ અને વન્યજીવન પર સંકટ
અરવલ્લીના પહાડો માત્ર પથ્થરો નથી, પરંતુ ત્યાંની આદિવાસી સંસ્કૃતિનું ઘર છે. જો 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડો દૂર કરવામાં આવશે તો સ્થાનિક આદિવાસીઓના અસ્તિત્વ સામે પ્રશ્ન ઉભો થશે. ગુજરાતમાં ગીર જેવા અભયારણ્યોમાં પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને રિસોર્ટ કલ્ચર ધમધમી રહ્યું છે, ત્યારે અરવલ્લીમાં પણ આવી પ્રવૃત્તિઓ વધવાનો ડર છે. ગરમ પવનોને રોકતી આ ગિરિમાળાની ઊંચાઈ ઘટવી એ પર્યાવરણીય અને માનવીય બંને રીતે ગુજરાતને પોસાય તેમ નથી.











