મૃતકોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું : હુમલાખોરે પણ જીવન ટૂંકાવી લીધું

ઑસ્ટ્રિયા, મંગળવાર
ઑસ્ટ્રિયાના બીજા સૌથી મોટા શહેર ગ્રાઝની એક શાળામાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે, જેણે આખા દેશને હચમચાવી દીધો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 9થી 11 લોકોનાં મોત અને 30 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. મૃતકોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક મીડિયા અનુસાર, હુમલાખોર એક 22 વર્ષનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો, જેણે બે વર્ગખંડોમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ત્યારબાદ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. હાલમાં સ્કૂલને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ ગોળીબારની ઘટના આજે સવારે બની હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. ચારેય તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ગ્રાઝના મેયર એલ્કે કાહરે આ ઘટનાને “ભયાનક દુર્ઘટના” ગણાવી અને જણાવ્યું કે, ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળ પરથી એક અધિકારીએ જણાવ્યું હતું કે, આજે સવારે સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગ્યે શાળામાં ગોળીબાર અને ત્યાંની ગંભીર પરિસ્થિતિ અંગે જાણ થઈ હતી. કોલ મળતાં જ ઑસ્ટ્રિયન પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી અને સ્પેશિયલ ફોર્સ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.











