શરદ પૂર્ણિમા 2025: આ રાત્રે ખુલ્લા આકાશ નીચે દૂધ-પૌંઆ કે ખીર કેમ મૂકાય છે? જાણો લક્ષ્મી પૂજા અને અમૃત તુલ્ય ચંદ્રના કિરણોનું મહત્ત્વ

શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબર, 2025ના રોજ છે. જાણો શા માટે આ રાત્રે ચંદ્ર સોળે કળાએ ખીલે છે, લક્ષ્મીજીની પૂજાનું મહત્ત્વ અને ખીરને ખુલ્લા આકાશ નીચે રાખવાના સ્વાસ્થ્ય લાભો.

અમદાવાદ, સોમવાર
હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું સ્થાન ખૂબ જ ખાસ છે. આ તિથિ ધાર્મિક, આધ્યાત્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાય છે. આ દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે અને માન્યતા છે કે તેના કિરણોમાંથી અમૃત વરસે છે. આ જ કારણે આ રાત્રિને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, જેનો અર્થ છે: ‘કોણ જાગી રહ્યું છે’.

માં લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે
પૌરાણિક કથા અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન આ જ દિવસે મા લક્ષ્મી પ્રગટ થયા હતા. તેથી તેને દેવી લક્ષ્મીના જન્મોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જે ઘરોમાં જાગરણ કરીને વિષ્ણુ-લક્ષ્મીની પૂજા થાય છે, ત્યાં તેઓ પ્રવેશ કરે છે અને ધન-ધાન્યના આશીર્વાદ આપે છે. પરંપરાગત રીતે, આ વર્ષે પૂર્ણિમા 6 ઓક્ટોબરના રોજ બપોરે 12:23 વાગ્યે શરૂ થશે અને 7 ઓક્ટોબરના રોજ સવારે 9:16 વાગ્યા સુધી ચાલશે. દેવી લક્ષ્મીની પૂજા મોડી સાંજે કરવામાં આવશે.

ખીરની પરંપરા અને સ્વાસ્થ્ય લાભ
શરદ પૂર્ણિમાની રાત્રે દૂધ-પૌંઆ કે ખીર બનાવીને તેને ખુલ્લા આકાશ નીચે, ચંદ્રના પ્રકાશમાં રાખવાની પરંપરા સદીઓ જૂની છે. વિજ્ઞાન અને આયુર્વેદના દ્રષ્ટિકોણથી પણ આનું મહત્ત્વ છે. એવું મનાય છે કે આખી રાત ચંદ્રની શીતળ રોશનીમાં રાખવાથી ખીર કે દૂધ પૌંઆમાં ઔષધીય ગુણોનો સંચાર થાય છે. બીજા દિવસે સવારે આ ખીરનું સેવન કરવાથી વ્યક્તિને ઉર્જા, શક્તિ અને સ્વાસ્થ્ય લાભ મળે છે. ખાસ કરીને શ્વસન સંબંધી રોગોમાં તે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!