અમદાવાદમાં પત્રકાર પર 10 લાખની ખંડણીનો આરોપ, જ્વેલરની ફરિયાદ પર ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં

અમદાવાદના એક જાણીતા ડિજિટલ ન્યૂઝના પત્રકાર દિર્ધાયુ વ્યાસ સામે જ્વેલર પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી છે. જાણો શું છે સમગ્ર કેસ અને કોની શું ભૂમિકા છે.

અમદાવાદ, શુક્રવાર
અમદાવાદના મીડિયા અને જ્વેલરી માર્કેટમાં સનસનાટી ફેલાવી દેનારો એક હાઈ-પ્રોફાઈલ કેસ સામે આવ્યો છે. શહેરના એક જાણીતા ગુજરાતી ડિજિટલ ન્યૂઝ પોર્ટલ સાથે સંકળાયેલા પત્રકાર દિર્ધાયુ વ્યાસ પર એક જ્વેલર પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થતાની સાથે જ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

શું છે સમગ્ર મામલો?
આ કેસના ફરિયાદી મણિનગર વિસ્તારમાં રહેતા 49 વર્ષીય પરેશ નગીનદાસ સોની છે, જેઓ રતનપોળમાં સોનાના દાગીનાનો વર્કશોપ ધરાવે છે. તેમની ફરિયાદ મુજબ, તેમનો અને તેમના બિઝનેસ પાર્ટનર્સ કમલેશ જાદવ અને ગુલઝારભાઈનો અન્ય વેપારીઓ સાથે દાગીનાના ઓર્ડરને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વકર્યો કે મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચ્યો, જ્યાં ત્રણેય પાર્ટનર્સને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

વકીલની એન્ટ્રી અને સેટલમેન્ટની ઓફર
ફરિયાદ અનુસાર આ દરમિયાન તેમનો સંપર્ક વકીલ ઇલ્યાસભાઈ પઠાણ સાથે થયો. વકીલે તેમને સમજાવ્યું કે આ કેસ ઘણો સેન્સિટિવ છે અને ક્રાઇમ બ્રાન્ચમાં તેનું હેન્ડલિંગ સાવચેતીથી કરવું પડશે. તેમણે કથિત રીતે એવો ઈશારો કર્યો કે મામલો પતાવવા માટે પત્રકાર સહિતના લોકોને ચૂકવણી કરવી પડશે.

આરોપ છે કે 30 સપ્ટેમ્બરના રોજ પરેશ સોની અને તેમના પાર્ટનર્સ વકીલ પઠાણની ઓફિસે મળ્યા હતા. ત્યાં વકીલે સ્પષ્ટ કહ્યું કે, “આ કેસ જાણીતા પત્રકાર દિર્ધાયુ વ્યાસ હેન્ડલ કરી રહ્યા છે. જો તમે તાત્કાલિક 10 લાખ રૂપિયા રોકડા નહીં આપો, તો ક્રાઇમ બ્રાન્ચમાં તમારી અરજીનો કોઈ નિકાલ નહીં આવે.”

પૈસા આપ્યા છતાં ધમકીઓ મળી
જ્વેલર્સના ગ્રુપે વકીલની વાત પર વિશ્વાસ કરીને 10 લાખ રૂપિયા રોકડા ચૂકવી દીધા હોવાનો દાવો કર્યો છે. પરંતુ, દિવસો પસાર થવા છતાં જ્યારે પોલીસ તપાસ આગળ વધતી રહી, ત્યારે તેમણે વકીલ અને પત્રકાર પાસે જવાબ માંગ્યો.

તેમના આરોપ મુજબ, જવાબ મળવાના બદલે તેમને ધમકીઓ મળવા લાગી. પરેશ સોનીએ પોતાની FIRમાં જણાવ્યું છે કે, “દિર્ધાયુ વ્યાસે અમને ધમકી આપતા કહ્યું કે ફરીથી ફોન કરતા નહીં. તેણે કહ્યું કે તે જાણે છે કે અમે સેકન્ડ-રેટ સોનાનો બિઝનેસ કરીએ છીએ અને તે અમારા વર્કશોપ પર GSTના દરોડા પડાવશે. આ ઉપરાંત, મીડિયામાં બદનામ કરવાની અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સબક શીખવાડવાની પણ ધમકી આપી.”

ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી
આ સનસનાટીભર્યા આરોપો બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પત્રકાર દિર્ધાયુ વ્યાસ વિરુદ્ધ ખંડણી, છેતરપિંડી અને ગુનાહિત ધમકી આપવા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ પત્રકાર સામે હવે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમના ઘરે પણ પહોંચી હતી, જ્યાંથી દારૂની બોટલ મળી આવી હતી. હવે એ સંદર્ભે પણ પોલીસ તપાસ કરી રહી છે જ્યારે એક દારૂની ફરિયાદ પત્રકારના પિતા સામે પણ થઈ છે જે જાણીતા વકીલ છે હવે અમદાવાદ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા કિસ્સાએ પત્રકાર આલમમાં પણ ભારે ચકચાર જગાવી છે.

ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીએ આ કેસની પુષ્ટિ કરતા જણાવ્યું કે, “અમે મની ટ્રેઇલ, વચેટિયાઓની ભૂમિકા અને તમામ આરોપીઓના નિવેદનો નોંધીને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ.” હાલ, આ કેસના સંદર્ભમાં પત્રકાર દિર્ધાયુ વ્યાસ અને વકીલ ઇલ્યાસ પઠાણનો સંપર્ક થઈ શક્યો નથી. ક્રાઇમ બ્રાન્ચ એ પણ તપાસ કરી રહી છે કે શું આ એક મોટું નેટવર્ક છે અને ભૂતકાળમાં પણ આ રીતે કોઈને નિશાન બનાવવામાં આવ્યા છે કે કેમ.

તો બીજી એક વાત એવી પણ ચર્ચામાં છે કે આ પત્રકાર ઘ્વારા પોલીસ સ્ટેશનના વહીવટદારો પાસે પણ પૈસાની માંગણી કરવામાં આવી રહી હતી અને મોંઘી ગિફ્ટ માંગવામાં આવતી હતી અને આગામી સમયમાં પોલીસ તરફે આ બાબતે પણ ગુન્હો દાખલ કરવામાં આવનાર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!