પાલઘર અને થાણેમાં MNS કાર્યકરો દ્વારા ગુજરાતી રેસ્ટોરન્ટ્સ નિશાન, ભયનો માહોલ

અમદાવાદ, શુક્રવાર
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સહિત કેટલાક રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા મુંબઈવાસીઓ પર મરાઠી ભાષા બોલવા દબાણ કરવાના અને મારામારીના કિસ્સાઓ રોજબરોજ સામે આવી રહ્યા છે. તાજેતરમાં, MNS કાર્યકરોએ મુંબઈ-અમદાવાદ હાઈવે પર આવેલી રેસ્ટોરન્ટ્સ અને હોટલોના ગુજરાતી ભાષામાં લગાવેલા સાઈનબોર્ડ તોડી પાડ્યા હતા, જેના કારણે ફરી એકવાર તણાવનો માહોલ સર્જાયો છે.
હાઈવે પર કાઠિયાવાડી હોટલો નિશાન
પાલઘર અને થાણે વિસ્તારમાં MNS કાર્યકરોએ મરાઠી ભાષામાં સાઈનબોર્ડ મૂકવાની માગ સાથે આ કાર્યવાહી કરી હતી. ખાસ કરીને, મુંબઈ-અમદાવાદ હાઈવે પર સ્થિત કાઠિયાવાડી રેસ્ટોરન્ટ્સ અને હોટલોને નિશાન બનાવવામાં આવી હતી. હાલોલી ગામ નજીક આવેલી એક રેસ્ટોરન્ટના ગુજરાતી સાઈનબોર્ડ પણ તોડી પાડવામાં આવ્યા હતા.
ડરના કારણે સાઈનબોર્ડ ઢાંકવાની ફરજ પડી
આ ભાષા વિવાદના કારણે મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ વણસી રહી છે. MNS કાર્યકરોની દાદાગીરી અને મારામારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘણા રેસ્ટોરન્ટ અને હોટલ માલિકોએ ડરના માર્યા પોતાના મરાઠી સિવાયની અન્ય ભાષામાં લખેલા સાઈનબોર્ડ કાળા કપડાં વડે ઢાંકી દીધા છે. આ ઘટનાઓ વેપારીઓમાં ભયનો માહોલ ઊભો કરી રહી છે.
અગાઉ પણ અંગ્રેજી સાઈનબોર્ડ તોડાયા હતા
નોંધનીય છે કે, થોડા સમય પહેલાં પણ MNS કાર્યકરો દ્વારા મુંબઈ અને થાણેમાં અંગ્રેજી ભાષામાં લગાવેલા સાઈનબોર્ડ તોડી પાડવામાં આવ્યા હતા. તેઓએ દાવો કર્યો હતો કે રાજ્યના નિયમન મુજબ મહારાષ્ટ્રમાં વેપાર-ધંધો કરવા માટે મરાઠી ભાષામાં સ્પષ્ટપણે વંચાય તે રીતે સાઈનબોર્ડ લગાવવા ફરજિયાત છે અને આ કાર્યવાહી તે નિયમનના ભાગરૂપે કરવામાં આવી હતી.
સ્થાનિક પોલીસે આ મામલે જણાવ્યું છે કે, MNS કાર્યકરો વિરુદ્ધ હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, જેના કારણે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ સ્થિતિ કાયદા અને વ્યવસ્થા પર પણ સવાલ ઊભા કરે છે.











