રખિયાલ પોલીસે શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે સાંપા ટીબા વાસમાં મોટી રેડ પાડી છે. આ ઓપરેશનમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 10,540 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જુઓ સંપૂર્ણ વિગતો.

દહેગામ, રવિવાર
ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના મુજબ, જુગારના ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે રખિયાલ પોલીસે એક ખાસ ડ્રાઈવ શરૂ કરી. આ ડ્રાઈવના ભાગરૂપે, દહેગામ ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈનના માર્ગદર્શન હેઠળ, રખિયાલ પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી.
પોલીસ કોન્સ્ટેબલ આનંદકુમાર સુરેશભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે સાંપા ટીબા વાસ ખાતેની રોની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક લોકો પાના પત્તાથી હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક તે જગ્યા પર રેડ કરી.
રેડ દરમિયાન પોલીસે 8 આરોપીઓને પકડ્યા હતા. જેમાં ગોવંદજી રામસંગજી ઠાકોર, રાજેશભાઈ કાળાજી ઠાકોર ઉ.વ. 50, કનુભાઈ જશુભાઈ ઠાકોર ઉ.વ. 20, રાજેશકુમાર ઉદાજી ઠાકોર ઉ.વ. 42, લક્ષ્મણજી મોહનજી ઠાકોર ઉ.વ. 52, અલ્પેશભાઈ દિપસિંહ ઝાલા ઉ.વ. 30, રમેશસિંહ ગાભુજી ઝાલા ઉ.વ. 34 અને પરેશકુમાર હિમતસિંહ ઝાલા ઉ.વ. 30નો સમાવેશ થાય છે. તેમાંથી પહેલા 5 આરોપીઓ સાંપા ગામ, ટીંબાવાળો, તા. દહેગામના રહેવાસી છે અને બાકીના 3 આરોપીઓ નવા પહાડિયા, તા. દહેગામના રહેવાસી છે.
પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી કુલ 9,740 રૂપિયા રોકડા, દાવ પરથી 800 રૂપિયા અને 52 ગંજીપાના પત્તા જપ્ત કર્યા. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ 10,540 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.











