પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા મમતા સરકાર અને ED વચ્ચેનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મમતા સરકારે કેવિએટ પિટિશન દાખલ કરી છે, તો EDએ તપાસમાં દખલગીરીનો આરોપ લગાવ્યો છે. જાણો વિગતવાર અહેવાલ.

નવી દિલ્હી, રવિવાર
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મમતા બેનર્જીની સરકાર અને કેન્દ્રીય તપાસ એજન્સી ED વચ્ચેનો સંઘર્ષ હવે સુપ્રીમ કોર્ટના દરવાજે ટકોરા મારી રહ્યો છે. I-PAC ના કાર્યાલય પર ED દ્વારા પાડવામાં આવેલા દરોડા બાદ સ્થિતિ વણસી છે, જેમાં બંને પક્ષે એકબીજા પર આકરા પ્રહારો કર્યા છે.
શું છે કેવિએટ પિટિશન? મમતા સરકારની ચાલ
આ સમગ્ર મામલે પશ્ચિમ બંગાળ સરકારે સતર્કતા દાખવીને સુપ્રીમ કોર્ટમાં કેવિએટ પિટિશન દાખલ કરી દીધી છે. સરળ ભાષામાં કહીએ તો, આ પિટિશન દ્વારા મમતા સરકારે કોર્ટને અપીલ કરી છે કે, આ મામલે EDની કોઈ પણ અરજી પર સુનાવણી કરતા પહેલા અથવા કોઈ પણ આદેશ આપતા પહેલા બંગાળ સરકારનો પક્ષ પણ સાંભળવામાં આવે. કેવિએટ દાખલ થવાથી હવે કોર્ટ એકપક્ષીય નિર્ણય લઈ શકશે નહીં, બંને પક્ષોને સાંભળવા ફરજિયાત બનશે.
EDનો આરોપ: તપાસમાં રાજ્ય સરકારનું વિઘ્ન
બીજી તરફ, ED પણ ચૂપ બેસી રહે તેમ નથી. એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આરોપ લગાવ્યો છે કે મમતા બેનર્જીના નેતૃત્વવાળી પશ્ચિમ બંગાળ સરકાર કેન્દ્રીય એજન્સીની તપાસમાં સતત દખલ કરી રહી છે. EDએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, ગુરુવારે જ્યારે તેમની ટીમ કોલકાતામાં I-PAC ના મુખ્યાલય અને તેના ડાયરેક્ટર પ્રતીક જૈનના ઘરે સર્ચ ઓપરેશન માટે ગઈ હતી, ત્યારે રાજ્યના પોલીસ તંત્ર અને સરકાર દ્વારા તેમના કામમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો.
એજન્સીએ કોર્ટ પાસે શું માંગ્યું?
EDએ સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે તેમને નિષ્પક્ષ રીતે અને કોઈપણ જાતના રાજકીય દબાણ વગર તપાસ કરવાની મંજૂરી આપવામાં આવે. એજન્સીનું કહેવું છે કે કોઈપણ રાજ્ય સરકારને કેન્દ્રીય તપાસ એજન્સીઓના કામમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર હોવો જોઈએ નહીં. હાલ એજન્સી કાયદાકીય વિકલ્પો તપાસી રહી છે.
વિવાદનું મૂળ: I-PAC પર દરોડા અને મમતાની એન્ટ્રી
આ સમગ્ર બબાલની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગુરુવારે EDએ કોલસા તસ્કરી અને મની લોન્ડ્રિંગ કેસમાં I-PACની ઓફિસ અને પ્રતીક જૈનના નિવાસસ્થાને દરોડા પાડ્યા. આ દરમિયાન એક નાટકીય વળાંક આવ્યો જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુદ ઘટનાસ્થળે પહોંચી ગયા.
EDનો ચોંકાવનારો દાવો છે કે, સર્ચ ઓપરેશન દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી તપાસ સ્થળ પર ઘૂસી ગયા હતા અને ત્યાંથી મહત્વના પુરાવાઓ તેમજ ઇલેક્ટ્રોનિક ઉપકરણો પોતાના કબજામાં લઈ લીધા હતા. EDએ આક્ષેપ કર્યો છે કે પોલીસે પણ આ કામમાં મમતા બેનર્જીને મદદ કરી હતી અને એજન્સીના હાથમાંથી પુરાવાઓ હટાવી દીધા હતા. આ મામલે EDએ કોલકાતા હાઈકોર્ટમાં મમતા બેનર્જી વિરુદ્ધ CBI તપાસની પણ માંગ કરી છે.
TMCનો વળતો પ્રહાર: ચૂંટણી ડેટા ચોરવાનું કાવતરું
તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મમતા સરકારે આ કાર્યવાહીને સંપૂર્ણપણે રાજકીય ગણાવી છે. તેમનો આરોપ છે કે EDનો ઈરાદો ભ્રષ્ટાચારની તપાસ કરવાનો નહીં, પરંતુ I-PAC પાસે રહેલી ચૂંટણીની રણનીતિ અને ગુપ્ત ડેટા ચોરવાનો છે.
મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, EDના અધિકારીઓ સવારે 6 વાગ્યે આવ્યા હતા, જ્યારે તેઓ પોતે 11.45 વાગ્યે ત્યાં પહોંચ્યા હતા. તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ વિપક્ષી પાર્ટીઓને ડરાવવા અને સત્તા મેળવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. હાલ તો બંને પક્ષે એકબીજા સામે ફરિયાદો નોંધાવી છે અને મામલો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચી ગયો છે.











