સત્યા નડેલા પર પૈસાનો વરસાદ! AI માં ધમાલ મચાવવા બદલ મળ્યું બંપર ઇનામ, પગાર 846 કરોડને પાર

માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલાનો પગાર 2024-25 માટે 96.5 મિલિયન ડોલર (846 કરોડ) થયો. જાણો AI માં શાનદાર પ્રદર્શન બદલ તેમને કેટલો મોટો હાઇક મળ્યો.

અમેરિકા, ગુરૂવાર
વિશ્વની ત્રીજી સૌથી મૂલ્યવાન કંપની માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલાને આ વખતે રેકોર્ડબ્રેક પગારવધારો મળ્યો છે. આ વધારો એટલો મોટો છે કે તેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. નાણાકીય વર્ષ 2024-2025 માટે તેમનો નવો પગાર વધીને 96.5 મિલિયન ડોલર એટલે કે લગભગ 846 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ભારતીય મૂળના સત્યા નડેલા 2014 માં માઇક્રોસોફ્ટના સીઇઓ બન્યા હતા. ગયા નાણાકીય વર્ષમાં તેમને 79.1 મિલિયન ડોલર મળ્યા હતા. આ વખતે મળેલો જંગી હાઇક એ અચાનક નથી, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કંપનીના શાનદાર પ્રદર્શનનું પરિણામ છે.

AIમાં લીડર બનવાનું મળ્યું ઇનામ
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, માઇક્રોસોફ્ટના બોર્ડનું માનવું છે કે સત્યા નડેલા અને તેમની ટીમે કંપનીને આ પેઢીના સૌથી મોટા ટેક્નોલોજીકલ બદલાવ, એટલે કે AI માં, એક સ્પષ્ટ લીડર તરીકે સ્થાપિત કરી દીધી છે.

તમને યાદ જ હશે કે નડેલાના નેતૃત્વ હેઠળ જ માઇક્રોસોફ્ટે AI સ્ટાર્ટઅપ અને ChatGPT બનાવનાર કંપની OpenAI માં 1 અબજ ડોલરનું મોટું રોકાણ કર્યું હતું. આજે એ જ OpenAI વિશ્વની સૌથી મૂલ્યવાન પ્રાઇવેટ કંપની બની ગઈ છે, જેની કિંમત 500 અબજ ડોલર આંકવામાં આવી છે. આ સફળતાની સીધી અસર માઇક્રોસોફ્ટના શેર પર પણ જોવા મળી છે, જે આ વર્ષે 23% વધ્યા છે.

પગારનો મોટો હિસ્સો શેરમાંથી આવે છે
એક રસપ્રદ વાત એ છે કે સત્યા નડેલાની કુલ કમાણીનો લગભગ 90% હિસ્સો માઇક્રોસોફ્ટના શેરમાંથી આવે છે. તેમનો બેઝિક પગાર 2.5 મિલિયન ડોલર છે.

સત્યા નડેલાની સફર
હૈદરાબાદમાં જન્મેલા અને મોટા થયેલા સત્યા નડેલા 1992 માં માઇક્રોસોફ્ટ સાથે જોડાયા હતા. શરૂઆતમાં તેમણે વિન્ડોઝ NT ના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 4 ફેબ્રુઆરી, 2014 ના રોજ, તેમને બિલ ગેટ્સ અને સ્ટીવ બાલ્મર પછી કંપનીના ત્રીજા સીઇઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!