કલોલ અપહરણ કેસ: ‘મારે સંતાન નથી…’ 6 મહિનાના માસૂમને ઉઠાવી ગઈ મહિલા, પોલીસે 18 કલાકમાં જ ભેદ ઉકેલી બાળકને માતાપિતાને સોંપ્યું

ગાંધીનગરના કલોલ નજીક છત્રાલમાંથી 6 માસના બાળકના અપહરણનો ચકચારી કિસ્સો. સંતાન ન હોવાથી 40 વર્ષીય મહિલાએ બાળકને ઉઠાવ્યું. ગાંધીનગર પોલીસે CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 18 કલાકની જહેમત બાદ બાળકને હેમખેમ શોધી કાઢ્યું. વાંચો સંપૂર્ણ રિપોર્ટ.

ગાંધીનગર, ગુરૂવાર
ગાંધીનગર જિલ્લાના કલોલ પંથકમાં દિવાળીના તહેવારોની ખરીદી ચાલી રહી હતી, ત્યારે જ એક ચોંકાવનારી ઘટના બની. કલોલ નજીક પાનોટ ગામની સીમમાં રહેતા મીર પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું, જ્યારે તેમના માત્ર 6 મહિનાના માસૂમ પુત્ર શાહરૂખનું ભરબપોરે અપહરણ થઈ ગયું. જોકે, ગાંધીનગર જિલ્લા પોલીસે ગજબની ત્વરિતતા બતાવી અને ગણતરીના કલાકોમાં જ આ આખા કેસનો ભેદ ઉકેલી નાખ્યો.

આ રીતે બની હતી ઘટના
ઘટનાની વિગતો એવી છે કે, બાળકની માતા કલાબેન મીર પોતાના પરિવાર સાથે કલોલ ગયા હતા. બપોરના આશરે 2.30 વાગ્યાની આસપાસ, તેઓ છત્રાલ બ્રિજ પાસે એક લસ્સીની લારી પર બેઠા હતા. કલાબેનને બામ લેવાની જરૂર પડતાં તેઓ નજીકના મેડિકલ સ્ટોર પર ગયા. આ જ ટૂંકા સમયગાળામાં અને તકનો લાભ ઉઠાવી, લીલા રંગની સાડી પહેરેલી એક અજાણી સ્ત્રી ત્યાં આવી અને 6 મહિનાના શાહરૂખને ઉઠાવીને છત્રાલ બ્રિજ તરફ ચાલતી પકડી. કલાબેન જ્યારે બે-પાંચ મિનિટમાં પાછા ફર્યા, ત્યારે પોતાનો દીકરો ન મળતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પોલીસે કેવી રીતે તપાસ કરી?
બાળકના અપહરણની ગંભીર ફરિયાદ મળતા જ ગાંધીનગર જિલ્લા પોલીસની ટીમો હરકતમાં આવી. કલોલ તાલુકા પોલીસ, LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ), SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) અને સાયબર સર્વેલન્સ સહિતની અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલિક તપાસ શરૂ કરાઈ.

પોલીસે સૌથી પહેલા આસપાસના વિસ્તારના તમામ CCTV ફૂટેજ ચકાસ્યા. ફૂટેજમાં પેલી લીલી સાડીવાળી શંકાસ્પદ મહિલા સ્પષ્ટ દેખાઈ. હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદ લેતા પોલીસને મહત્ત્વની માહિતી મળી કે આ મહિલા છત્રાલની ગેલેક્સી સોસાયટીમાં પહેલા રહેતી હતી અને તેનું નામ મધીબેન નાયક છે.

18 કલાકમાં કેસ સોલ્વ, આ હતું અપહરણનું કારણ
આ માહિતીના આધારે, પોલીસે ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી મધીબેનનું લોકેશન ટ્રેસ કરવાનું શરૂ કર્યું. સતત 18 કલાકની દોડધામ અને સઘન તપાસ બાદ, પોલીસે આખરે 40 વર્ષીય આરોપી મધીબેન નાયકને મેડા આદરજ ગામ ખાતેથી ઝડપી પાડી હતી.

સૌથી રાહતની વાત એ હતી કે માસૂમ શાહરૂખ પણ તેની પાસેથી હેમખેમ મળી આવ્યો હતો.
પોલીસે જ્યારે મધીબેનની કડક પૂછપરછ કરી, ત્યારે તે ભાંગી પડી હતી. તેણે કબૂલાત કરી કે, ‘મારે કોઈ સંતાન નથી.’ સંતાન મેળવવાની આ તીવ્ર લાલસાને કારણે જ તેણે આ અપહરણનું ગંભીર પગલું ભર્યું હતું.

પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી પૂરી કરી અને મધીબેન નાયકની ધરપકડ કરી. 6 મહિનાના શાહરૂખને તેના અસલી માતા-પિતા કલાબેન મીરને સહીસલામત પરત સોંપવામાં આવ્યો. દિવાળી પહેલા જ પોતાનો ખોવાયેલો દીકરો હેમખેમ પાછો મળતાં પરિવારની ખુશીનો કોઈ પાર નહોતો. તેમણે આંખમાં હર્ષના આંસુ સાથે ગાંધીનગર પોલીસની આ સરાહનીય અને ત્વરિત કામગીરી બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!