દહેગામના ઝાક ગામમાં ફૂડ પોઈઝનિંગ, 106 બાળકો પ્રભાવિત, 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ!

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બાળકોને આપવામાં આવેલા પીવાના પાણીમાં ક્લોરિનનું પ્રમાણ વધુ હોવાને કારણે આ તકલીફ થઈ હોઈ શકે છે. જોકે, આ અંગેની સત્તાવાર પુષ્ટિ લેબોરેટરી રિપોર્ટ્સ આવ્યા બાદ જ થઈ શકશે.

દહેગામ, મંગળવાર
દહેગામ તાલુકાના ઝાક ગામમાં આવેલી જે.એમ. દેસાઈ સ્કૂલના છાત્રાલયમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં કુલ 225 વિદ્યાર્થીઓમાંથી 106 બાળકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે, જેના કારણે વાલીઓ અને સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચિંતા વ્યાપી છે.

પ્રાથમિક વિગતો અનુસાર, રાત્રિભોજન લીધા બાદ મોડી રાત્રિથી જ બાળકોને અસ્વસ્થતા જણાવા લાગી હતી. તેમને આંખે ઝાંખું દેખાવું, પેટમાં તીવ્ર દુખાવો અને જોવામાં તકલીફ જેવી સમસ્યાઓ શરૂ થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા, તાત્કાલિક ધોરણે સ્કૂલ મેનેજમેન્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા એમ્બ્યુલન્સ બોલાવીને તમામ પ્રભાવિત બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલ ખાતે પહોંચતા જ ડોક્ટરોની ટીમે યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરી હતી. તમામ બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે ફૂડ તેમજ વોટર સેમ્પલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, હાલ તમામ 106 બાળકોને મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે અને આગામી 24 કલાક સુધી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે નહીં. તેમની સ્થિતિ પર ડોક્ટરોની ટીમ સતત નજર રાખી રહી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બાળકોને આપવામાં આવેલા પીવાના પાણીમાં ક્લોરિનનું પ્રમાણ વધુ હોવાને કારણે આ તકલીફ થઈ હોઈ શકે છે. જોકે, આ અંગેની સત્તાવાર પુષ્ટિ લેબોરેટરી રિપોર્ટ્સ આવ્યા બાદ જ થઈ શકશે. આ ઘટના અંગે ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. તેમણે તુરંત જ હોસ્પિટલની મુલાકાત લઈ બાળકોના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી અને જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. આ રોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને આ થવા પાછળના કારણો શોધવામાં આવી રહ્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!