અમદાવાદમાં નવરાત્રિની ઉજવણી સામાન્ય માણસ માટે મોંઘી બની છે. ગરબાના પાસ 2500 રૂપિયા સુધી, ટુ-વ્હીલર પાર્કિંગના 100 રૂપિયા અને પાણીની બોટલના 50 રૂપિયા વસૂલાતા ખેલૈયાઓના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. જાણો પૂરી વિગત.

અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં નવરાત્રિનો માહોલ બરાબર જામ્યો છે, પણ આ વખતે ગરબાના તાલે ખેલૈયાઓના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. શહેરના ભવ્ય પાર્ટી પ્લોટ્સમાં ગરબા રમવા જવું એ હવે એક મોંઘો શોખ બની ગયો છે. સામાન્ય શહેરીજનો માટે આ નવરાત્રિ જાણે કે ‘લૂંટ રાત્રિ’ બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.
પાસ, પાર્કિંગ અને પાણી: દરેક જગ્યાએ ખર્ચનો બોજ
શહેરના એસપી રિંગ રોડ જેવા પોશ વિસ્તારોમાં આવેલા પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં એક રાત ગરબા રમવાનો ચાર્જ આસમાને પહોંચ્યો છે. એક વ્યક્તિ માટે સિંગલ ડે પાસની કિંમત 1000 રૂપિયાથી શરૂ થઈને 2500 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહી છે. આટલો મોટો ખર્ચ કર્યા પછી પણ તમારી મુશ્કેલીઓ ઓછી નથી થતી.
પાર્ટી પ્લોટ પહોંચતા જ તમારું સ્વાગત પાર્કિંગ ચાર્જથી થાય છે. કોઈ પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા વિના, ખુલ્લા પ્લોટમાં ટુ-વ્હીલર પાર્ક કરવા માટે 100 રૂપિયા અને કાર પાર્કિંગ માટે 200 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવી રહ્યો છે.
પાણીની બોટલ અને નાસ્તાના ભાવમાં પણ લૂંટ
કલાકો સુધી ગરબા રમીને જ્યારે તમને તરસ લાગે, ત્યારે તમને વધુ એક ઝટકો લાગશે. મોટાભાગના આયોજકો ઘરેથી લાવેલી પાણીની બોટલ અંદર લઈ જવા દેતા નથી. આથી, મજબૂરીમાં તમારે 20 રૂપિયાની પાણીની બોટલના 50 રૂપિયા કે તેથી વધુ ચૂકવવા પડે છે. એવી જ રીતે, બહાર 30-40 રૂપિયામાં મળતી નાસ્તાની એક સિમ્પલ પ્લેટ માટે અહીં 100થી 150 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. આ જોઈને સ્પષ્ટપણે લાગે છે કે આયોજકો દ્વારા ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે અને કોઈ તંત્ર તેમને રોકવાવાળું નથી.
કાળા કાચવાળી ગાડીઓ અને લાઉડ સ્પીકર: નિયમો માત્ર કાગળ પર
નવરાત્રિ પહેલાં હાઈકોર્ટે કાળા કાચવાળી કાર અને રાત્રે 12 વાગ્યા પછી મોટા અવાજે વાગતા લાઉડ સ્પીકર પર નિયંત્રણ લાવવા માટે પોલીસને કડક સૂચના આપી હતી. પોલીસે પણ કાર્યવાહી કરવાની ગુલબાંગો ફેંકી હતી, પરંતુ તેનું કોઈ પરિણામ દેખાઈ રહ્યું નથી. અમદાવાદના રસ્તાઓ પર આજે પણ કાળા કાચવાળી ગાડીઓ બેફામ ફરી રહી છે. આ બતાવે છે કે કાયદો અને વ્યવસ્થાના પાલનમાં તંત્રની દાનતનો સ્પષ્ટ અભાવ દેખાઈ રહ્યો છે.











