નવરાત્રિના તહેવાર વચ્ચે ગુજરાતના હવામાનમાં અચાનક પલટો. ડાંગ, તાપી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ગરબાના આયોજન ખોરવાયા. જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો અને ઉકાઇ ડેમની લેટેસ્ટ સ્થિતિ શું છે.

અમદાવાદ, રવિવાર
નવરાત્રિનો માહોલ બરાબર જામ્યો હતો અને ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમવા માટે પૂરી રીતે તૈયાર હતા, પણ મેઘરાજાએ જાણે બધો પ્લાન ચોપટ કરી નાખ્યો હોય તેમ દક્ષિણ ગુજરાત પર ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગની આગાહી સાચી પડતાં ડાંગ, તાપી, વલસાડ અને નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો, જેના કારણે અનેક જગ્યાએ ગરબાના આયોજન રદ્દ કરવા પડ્યા અને ખેલૈયાઓની મજા બગડી ગઈ.
ડાંગ અને વલસાડમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ
ડાંગ જિલ્લામાં તો જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી. છેલ્લા 12 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો, સાપુતારામાં સૌથી વધુ 5.5 ઇંચ, આહવામાં 4 ઇંચ, વઘઈમાં 3 ઇંચ અને સુબરીમાં 2.60 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે જિલ્લાની પૂર્ણા, અંબિકા, ખાપરી અને ગિરા નદીઓ ગાંડીતૂર બની હતી. ગિરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોઈને લોકો પણ ચોંકી ગયા હતા.

વલસાડ જિલ્લામાં પણ પરિસ્થિતિ કંઈક આવી જ હતી. કપરાડા, ધરમપુર, વાપી અને ઉમરગામ જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે ગરબા માટે બાંધવામાં આવેલા મોટા મોટા પંડાલ અને મંડપ ધરાશાયી થઈ ગયા હતા. અનેક ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતાં અને કાદવ-કીચડ થઈ જતાં આયોજકોને પ્રોગ્રામ કેન્સલ કરવાની ફરજ પડી હતી.
ચાલુ વરસાદે પણ ગરબે ઘૂમ્યા ખેલૈયા
એક તરફ જ્યાં વરસાદે ગરબાની મજા બગાડી, ત્યાં તાપી જિલ્લામાં ખેલૈયાઓનો જુસ્સો અકબંધ જોવા મળ્યો. વ્યારાના બાહુબલી નવરાત્રિ મહોત્સવમાં યુવાનો ચાલુ વરસાદે પણ ગરબે રમતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જોકે, નર્મદા જિલ્લામાં પણ વરસાદે માહોલ બગાડ્યો હોવાના સમાચાર છે.
ઉકાઇ ડેમ ભયજનક સપાટીની નજીક
તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉકાઇ ડેમની જળસપાટી ભયજનક લેવલની ખૂબ નજીક પહોંચી ગઈ છે. ડેમ તેની ખતરનાક સપાટીથી માત્ર 0.84 ફૂટ જ દૂર છે. સાવચેતીના ભાગરૂપે ડેમના 22 દરવાજામાંથી 8 દરવાજા 5 ફૂટ સુધી ખોલીને તાપી નદીમાં 98,869 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.











