ગુજરાતમાં 21 જૂને યોજાનારી NEET-UG પરીક્ષા માટે પોલીસનું કડક ચેકિંગ. ઝેરોક્ષની દુકાનો પર નજર, રાત્રિ પેટ્રોલિંગ અને સોશિયલ મીડિયા પર પોલીસ રાખશે બાજ નજર. જાણો શું છે નવી ગાઈડલાઈન.

અમદાવાદ, બુધવાર
મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વની એવી NEET-UG પરીક્ષા ગુજરાતમાં 21 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. અગાઉ થયેલા વિવાદોને ધ્યાનમાં રાખીને આ વખતે પરીક્ષા એકદમ શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક વાતાવરણમાં લેવાય તે માટે ગુજરાત પોલીસે અત્યારથી જ કમર કસી લીધી છે. રાજ્યભરમાં ગેરરીતિઓ અટકાવવા માટે બહુસ્તરીય (Multi-layer) સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓની બેઠક અને નોડલ ઑફિસરની નિમણૂક
રાજ્યના ડીજીપી જી.એસ. મલિકની અધ્યક્ષતામાં હાલમાં જ એક મહત્વની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડાઓ હાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે કાયદો અને વ્યવસ્થાના IGP મકરંદ ચૌહાણને ખાસ સ્ટેટ નોડલ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આખા રાજ્યમાં પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થા પર સીધું મોનિટરિંગ કરશે.
ઝેરોક્ષની દુકાનો અને પરીક્ષા કેન્દ્રો પર ચાંપતો બંદોબસ્ત
નેશનલ ટેસ્ટિંગ એજન્સીની ગાઈડલાઈન મુજબ આ વખતે માત્ર પરીક્ષા કેન્દ્રો પર જ નહીં, પરંતુ તેની આસપાસની ગતિવિધિઓ પર પણ ધ્યાન રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલી તમામ ઝેરોક્ષ અને ફોટોકોપીની દુકાનો પર પોલીસની કડક નજર રહેશે. વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે દરેક સેન્ટર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉમેદવારોનું ચેકિંગ અને વાલીઓ સાથે સન્માનજનક વર્તન. પરીક્ષા આપવા આવતા ઉમેદવારોનું સઘન ચેકિંગ કરવામાં આવશે, પરંતુ આ પ્રક્રિયા સંવેદનશીલતાથી થશે. વિદ્યાર્થિનીઓ માટે અલગથી ચેકિંગ વ્યવસ્થા ઊભી કરાશે. ઉમેદવારોના મોબાઈલ, સ્માર્ટ વોચ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સાચવવા માટે કેન્દ્રો પર સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ, વિદ્યાર્થીઓ સાથે આવતા વાલીઓ જોડે પોલીસ યોગ્ય અને સન્માનજનક વર્તન કરે તેવી ખાસ તાકીદ કરવામાં આવી છે.
રાત્રિ પેટ્રોલિંગ અને સોશિયલ મીડિયા પર બાજ નજર
પેપર લીક કે અન્ય કોઈ ગેરરીતિ ન થાય તે માટે 19 થી 21 જૂન સુધી રાજ્યભરમાં રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. પરીક્ષા સામગ્રીની હેરફેર એકદમ ગોપનીય રીતે થશે. 20 જૂનના રોજ પોલીસ અને NTA ના અધિકારીઓ સાથે મળીને તમામ કેન્દ્રોનું ફાઈનલ ઇન્સ્પેક્શન કરશે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર કોઈ અફવા કે ભ્રામક માહિતી ફેલાવીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે, તો તેની સામે કડકમાં કડક સાયબર કાર્યવાહી કરવામાં આવશે.
યોગ દિવસ અને પરીક્ષા માટે અલગ બંદોબસ્ત
ખાસ વાત એ છે કે, 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ છે. આથી ડીજીપીએ સ્પષ્ટ સૂચના આપી છે કે યોગ દિવસની ઉજવણી અને NEET પરીક્ષા બંને માટે પોલીસ સ્ટાફ અલગ-અલગ ફાળવવામાં આવે. જેથી બંને કાર્યક્રમો કોઈપણ જાતની અડચણ વગર શાંતિપૂર્ણ રીતે પૂરા થઈ શકે. ગુજરાત પોલીસના આ એક્શન મોડ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્રને માત્ર પરીક્ષાની વિશ્વસનીયતા જાળવવાનો અને લાખો વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાનો છે.











