NEET પછી હવે UPSC 2026 પેપર લીકનો મોટો વિવાદ! 100માંથી 82 સવાલો કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી બેઠેબેઠા પૂછાયાનો NSUIનો સનસનીખેજ દાવો

NEET વિવાદ વચ્ચે હવે UPSC Prelims 2026માં પેપર લીકનો મોટો આક્ષેપ. NSUIનો દાવો છે કે 100 માંથી 82 સવાલો એક ખાનગી કોચિંગના મટીરિયલમાંથી પૂછાયા છે. જાણો સમગ્ર મામલો.

નવી દિલ્હી, મંગળવાર
દેશમાં હજુ NEET પરીક્ષાના પેપર લીકનો વિવાદ શાંત નથી થયો, ત્યાં જ દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી સંઘ લોક સેવા આયોગ (UPSC)ની પરીક્ષાને લઈને એક નવો જ હોબાળો મચી ગયો છે. સોમવારે રાત્રે જ UPSC પ્રિલિમ્સ 2026નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને પરિણામ આવતાની સાથે જ પેપર લીક થવાની આશંકાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUI (નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા) એ UPSC પ્રિલિમ્સ 2026 માં મોટી ગેરરીતિ થઈ હોવાનો અને પેપર લીક થયાનો સનસનીખેજ દાવો કર્યો છે.

ખાનગી કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી બેઠેબેઠા સવાલો!
આ સમગ્ર મામલે NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર એક વીડિયો પોસ્ટ કરીને ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

મુખ્ય આક્ષેપો નીચે મુજબ છે:
82 સવાલો મેચ થયા: જાખડનો દાવો છે કે UPSC પ્રિલિમ્સ 2026 ની પરીક્ષામાં પૂછાયેલા કુલ 100 સવાલોમાંથી 82 સવાલો સીધા જ ‘અનંતમ IAS’ નામની એક ખાનગી કોચિંગ સંસ્થાના સ્ટડી મટીરિયલમાંથી પૂછવામાં આવ્યા છે.
ભાષા પણ એકસરખી: ચોંકાવનારી વાત એ છે કે માત્ર સવાલો જ નહીં, પરંતુ તે સવાલોની ભાષા અને તેને પૂછવાની રીત (રજૂઆત) પણ કોચિંગ ક્લાસના મટીરિયલને બિલકુલ મળતી આવે છે.
વિદ્યાર્થીઓની ફરિયાદ: 24 મેના રોજ લેવાયેલી આ પ્રિલિમ્સ પરીક્ષાના કેટલાક ઉમેદવારોએ સીધા NSUI ઓફિસે પહોંચીને પેપર લીક અંગે શંકા વ્યક્ત કરી હતી, જેના આધારે આ મામલો બહાર આવ્યો છે.

પરીક્ષા બાદ પુરાવા મિટાવવાનો પ્રયાસ?
વિનોદ જાખડે ખાનગી કોચિંગ સંસ્થા ‘અનંતમ IAS’ અને સિસ્ટમ વચ્ચે મોટી મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે મોટો આરોપ લગાવતા કહ્યું કે, UPSC પ્રિલિમ્સની પરીક્ષા પૂર્ણ થયા બાદ આ ખાનગી કોચિંગ સંસ્થા દ્વારા પોતાના સ્ટડી મટીરિયલમાં રાતોરાત ફેરફારો કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, મટીરિયલ પર લખેલી તારીખો સાથે પણ છેડછાડ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે.

NSUI એ કરી પારદર્શક તપાસની માંગ
આ ગંભીર મામલે NSUI એ સીધો UPSC ને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં આખા વિવાદની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરાવવાની તાત્કાલિક માંગ કરવામાં આવી છે. લાખો યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિ અંગે UPSC તરફથી સ્પષ્ટતા માંગવામાં આવી છે.

જોકે, પેપર લીકના આટલા મોટા આક્ષેપો અને વિવાદ છતાં, હજુ સુધી UPSC તરફથી આ મામલે કોઈ પણ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા સામે આવી નથી. હવે જોવાનું એ રહે છે કે આ મામલે સરકાર અને આયોગ આગળ શું પગલાં લે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!