બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારિક રહેમાનના શપથ ગ્રહણમાં ભારતે મિત્રતાનો હાથ લંબાવ્યો છે. PM મોદીએ ખાસ પત્ર લખીને તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. જાણો મોહમ્મદ યુનુસના શાસન પછી હવે ભારત સાથેના સંબંધો કેવા રહેશે.

નવી દિલ્હી/ઢાકા, ગુરૂવાર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં હવે એક નવી સવાર ઊગવા જઈ રહી છે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન સાથે જ ભારતે મિત્રતાનો મજબૂત હાથ લંબાવ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાનને શુભેચ્છા પાઠવતા તેમને ભારત આવવાનું ભાવભર્યું આમંત્રણ આપ્યું છે.
ઓમ બિરલાએ સોંપ્યો PM મોદીનો ખાસ સંદેશ
બાંગ્લાદેશમાં યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કર્યું હતું. મંગળવારે ઢાકા ખાતે યોજાયેલી આ મુલાકાત દરમિયાન ઓમ બિરલાએ નવા વડાપ્રધાન તારિક રહેમાનને PM મોદી તરફથી લખાયેલો એક વ્યક્તિગત અભિનંદન પત્ર રૂબરૂ સોંપ્યો હતો. આ પત્ર માત્ર ઔપચારિકતા ન હતો, પરંતુ તેમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની પહેલ હતી. PM મોદીએ પત્રના માધ્યમથી તારિક રહેમાનને શક્ય તેટલી વહેલી તકે ભારતની મુલાકાત લેવા માટે નિમંત્રણ આપ્યું છે.
મોહમ્મદ યુનુસના શાસનનો અંત અને નવી આશા
તારિક રહેમાનના વડાપ્રધાન બનવાની સાથે જ બાંગ્લાદેશમાં ચાલી રહેલી મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારનો અંત આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 18 મહિનાથી ચાલી રહેલા યુનુસના શાસનકાળ દરમિયાન ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં થોડી ખટાશ આવી ગઈ હતી અને તણાવ વધ્યો હતો.
જોકે, હવે તારિક રહેમાનનો 5 વર્ષનો કાર્યકાળ શરૂ થતાં જ કૂટનીતિક વર્તુળોમાં ફરીથી મજબૂત ભાગીદારીની આશાઓ જાગી છે. ભારતને આશા છે કે નવી સરકાર સાથે વેપાર, સુરક્ષા અને કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ પર સકારાત્મક વાતચીત આગળ વધશે.
શપથ ગ્રહણ સમારોહની ખાસ ઝલક
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શહાબુદ્દીને તારિક રહેમાનને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં માત્ર વડાપ્રધાન જ નહીં, પરંતુ તેમની કેબિનેટના 25 મંત્રીઓ અને 24 રાજ્ય મંત્રીઓએ પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. શપથ વિધિ બાદ તરત જ તારિક રહેમાને સત્તાવાર દસ્તાવેજો પર હસ્તાક્ષર કરીને કાર્યભાર સંભાળી લીધો હતો.
આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હાજરી પણ નોંધપાત્ર હતી. ભારત ઉપરાંત પાકિસ્તાન, માલદીવ અને ભૂતાનના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કૂટનીતિક શિષ્ટાચાર નિભાવતા માલદીવના રાષ્ટ્રપતિ અને ભૂતાનના વડાપ્રધાન સાથે પણ અલગથી મુલાકાત કરી હતી.
આમ, તારિક રહેમાનના નેતૃત્વમાં ભારત અને બાંગ્લાદેશ ફરી એકવાર મૈત્રીપૂર્ણ સંબંધોની દિશામાં આગળ વધે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.











