ઓપરેશન સિંદૂર: બસ, બહુ થયું!… અને શરૂ થઈ આતંકીઓ વિરુદ્ધ શતરંજની રમત, આર્મી ચીફે ખોલ્યા અનેક રાઝ

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ IIT મદ્રાસમાં ઓપરેશન સિંદૂરના દરેક પાસા પર ખુલીને વાત કરી. તેમણે જણાવ્યું કે કેવી રીતે રાજકીય નેતૃત્વની ખુલ્લી છૂટ મળ્યા બાદ સેનાએ આતંકીઓને શતરંજની જેમ શહ અને માત આપી. જાણો આ સિક્રેટ ઓપરેશનની સંપૂર્ણ ડિટેલ્સ.

નવી દિલ્હી, રવિવાર
ભારતીય થલ સેનાના અધ્યક્ષ (આર્મી ચીફ) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ હાલમાં જ IIT મદ્રાસમાં એક કાર્યક્રમ દરમિયાન ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલી કેટલીક અત્યંત મહત્વપૂર્ણ અને અત્યાર સુધી ગુપ્ત રહેલી વાતોનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આ ઓપરેશન કોઈ શતરંજના ખેલ જેવું હતું, જેમાં ભારતીય સેના પૂરી પ્લાનિંગ સાથે દુશ્મનોને શહ અને માત આપી રહી હતી.

જનરલ દ્વિવેદીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને યાદ કરતાં કહ્યું કે, “આ ઘટનાથી આખો દેશ દુઃખ અને ગુસ્સામાં હતો. 22 એપ્રિલે આતંકીઓએ પર્યટકો પર હુમલો કર્યો અને 23 એપ્રિલે અમે એક તાત્કાલિક મીટિંગ કરી.” તેમણે જણાવ્યું કે આ પહેલીવાર હતું જ્યારે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે કડક શબ્દોમાં કહ્યું, બસ, બહુ થયું. આર્મી, નેવી અને એરફોર્સ, ત્રણેય સેનાના ચીફ પણ એ વાત પર સહમત હતા કે હવે કોઈ મોટું અને નક્કર પગલું ભરવાનો સમય આવી ગયો છે.

રાજકીય નેતૃત્વએ આપી ખુલ્લી છૂટ
આર્મી ચીફે ભારપૂર્વક જણાવ્યું કે આ ઓપરેશન માટે રાજકીય નેતૃત્વ તરફથી સેનાને સંપૂર્ણપણે ખુલ્લી છૂટ આપવામાં આવી હતી. તેમને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, “તમે નક્કી કરો કે શું કરવું છે.” જનરલ દ્વિવેદીએ કહ્યું, “આ પ્રકારનો આત્મવિશ્વાસ અને રાજકીય સ્પષ્ટતા અમે પહેલીવાર જોઈ. આનાથી અમારું મનોબળ ખૂબ જ વધ્યું અને અમને ગ્રાઉન્ડ પર પોતાની સમજ મુજબ કામ કરવાની આઝાદી મળી.”

નવમાંથી સાત ટાર્ગેટનો ખાત્મો
આ નિર્ણય બાદ તરત જ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો. જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે, “25 એપ્રિલે અમે નોર્ધન કમાન્ડનો પ્રવાસ કર્યો, જ્યાં અમે કુલ નવમાંથી સાત ટાર્ગેટ નક્કી કર્યા, તેનું સંપૂર્ણ પ્લાનિંગ કર્યું અને તેને સફળતાપૂર્વક પાર પાડ્યા.” ઓપરેશન સિંદૂર હેઠળ આ તમામ ટાર્ગેટને નષ્ટ કરી દેવામાં આવ્યા અને તેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા.

જ્યારે PM મોદી સાથે થઈ ચર્ચા
ઓપરેશનની ડિટેલ્સ શેર કરતાં તેમણે કહ્યું કે 29 એપ્રિલે તેઓ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા, જ્યાં આ ઓપરેશન પર વિસ્તૃત ચર્ચા થઈ. રસપ્રદ વાત એ છે કે, પહેલા આ ઓપરેશનનું નામ ઓપરેશન સિંધુ રાખવાનું વિચારવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. જનરલ દ્વિવેદીના મતે, આ નાનકડા નામે આખા દેશને ભાવનાત્મક રીતે જોડી દીધો અને દેશવાસીઓને પ્રેરણા આપી.

પાકિસ્તાનમાં જશ્નના માહોલ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે, “જો તમે કોઈ પાકિસ્તાનીને પૂછો, તો તે કહેશે કે અમારો સેનાપતિ ફિલ્ડ માર્શલ બની ગયો, મતલબ કે અમે જ જીત્યા છીએ. હાર છુપાવવા માટે આવા પદ આપવામાં આવે છે.”

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!