Petrol Diesel Price Hike: દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 172% સુધીનો તોતિંગ વધારો જોવા મળ્યો છે. શું ભારતમાં પણ પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા બાદ ઈંધણ મોંઘું થશે? જાણો ક્રૂડ ઓઈલની સ્થિતિ અને સંભવિત ભાવ વધારા વિશેની સંપૂર્ણ વિગત.

નવી દિલ્હી, શુક્રવાર
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે હાલમાં આખી દુનિયામાં ક્રૂડ ઓઈલની કટોકટી ઊભી થઈ છે. આ યુદ્ધની અસર સીધી સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે. મધ્ય-પૂર્વમાં સર્જાયેલી આ અસ્થિરતાને કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. થોડા સમય પહેલા જે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 71 ડોલર હતું, તે હવે વધીને 111 ડોલર સુધી પહોંચી ગયું છે.
કયા દેશોમાં કેટલો વધારો થયો?
ગ્લોબલપેટ્રોલપ્રાઈસ.કોમ (GlobalPetrolPrices.com) ના તાજેતરના આંકડા મુજબ, વિશ્વના ઘણા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે:
ફિલિપાઈન્સ: ડીઝલના ભાવમાં સૌથી વધુ 172% નો વધારો થયો છે.
લાઓસ: અહીં ભાવમાં 169% નો વધારો નોંધાયો છે.
મ્યાનમાર: પેટ્રોલ-ડીઝલના ભાવ સીધા ડબલ એટલે કે 161% વધી ગયા છે.
મલેશિયા: અહીં પણ ઈંધણના ભાવમાં 124% નો વધારો થયો છે.
ભારતમાં અત્યાર સુધી સ્થિતિ કેમ શાંત છે?
વૈશ્વિક સ્તરે ભાવ આટલા વધવા છતાં ભારતમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે. હાલમાં ભારતમાં પેટ્રોલ સરેરાશ 94.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
નિષ્ણાતોના મતે, ભારતમાં અત્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી હોવાથી સરકારે ભાવવધારા પર અંકુશ રાખ્યો છે. કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ પરનો એક્સાઈઝ સેસ 10 રૂપિયા જેટલો ઘટાડ્યો છે અને નિકાસ પરનો ટેક્સ પણ વધારી દીધો છે, જેથી સ્થાનિક બજારમાં ઈંધણની અછત ન સર્જાય.
ચૂંટણી પછી તોતિંગ વધારાની આશંકા
સૂત્રો અને મેકક્વેર ગ્રુપના રિપોર્ટ મુજબ, ભારતમાં એપ્રિલના અંતમાં ચૂંટણીઓ પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંકાઈ શકે છે. હાલમાં સરકારી ઓઈલ કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું હોવાનું મનાય છે. આંકડાઓ મુજબ:
પેટ્રોલ પર પ્રતિ લીટર અંદાજે 18 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
ડીઝલ પર પ્રતિ લીટર અંદાજે 35 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં ક્રૂડ ઓઈલના ભાવ હજુ પણ વધી શકે છે. જ્યાં સુધી ભારતમાં ચૂંટણીનો માહોલ છે ત્યાં સુધી સરકાર ભાવ સ્થિર રાખવા પૂરો પ્રયાસ કરશે, પરંતુ મે મહિનાની શરૂઆતમાં સામાન્ય જનતાએ મોંઘા પેટ્રોલ-ડીઝલ માટે તૈયાર રહેવું પડી શકે છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો સરકાર માટે ઈંધણના ભાવ રોકવા અશક્ય બની જશે.











