પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK) માં ચૂંટણી દરમિયાન હિંસા ભડકી છે. બૂથ કેપ્ચરિંગનો વિરોધ કરનાર નાગરિકો પર સુરક્ષા દળોના ગોળીબારમાં 19 લોકોના મોત થયા છે અને 30 થી વધુ ઘાયલ છે.

પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK) માં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન હિંસાનો ભરડો જોવા મળ્યો છે. ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક ગેરરીતિઓ અને ધાંધલીના વિરોધમાં ઉતરેલા સ્થાનિક નાગરિકો પર પાકિસ્તાની સુરક્ષા દળો અને પાક રેન્જર્સ દ્વારા કરવામાં આવેલી અંધાધૂંધ ગોળીબારમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 30 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
શું છે હિંસાનું મુખ્ય કારણ?
આ લોહીયાળ સંઘર્ષ ત્યારે શરૂ થયો જ્યારે સ્થાનિક નાગરિકોએ ચૂંટણીમાં પાકિસ્તાની સેના અને પોલીસ દ્વારા કરવામાં આવતી મોટા પાયે ધાંધલી અને બૂથ કેપ્ચરિંગનો વિરોધ કર્યો હતો.સમાહની મતવિસ્તારના રામલોહા મતદાન મથક નજીક તણાવ ત્યારે ચરમસીમાએ પહોંચ્યો જ્યારે સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે મતદાન કર્મીઓને બંધક બનાવીને બંદૂકની અણીએ નકલી મતદાન કરાવવામાં આવી રહ્યું છે.
વાયરલ વીડિયો: સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સશસ્ત્ર અસામાજિક તત્વો મતદાન મથકમાંથી બેલેટ બોક્સ લૂંટીને ભાગતા નજરે પડે છે.
મૃતકોમાં સ્થાનિક નેતાના ભાઈનો સમાવેશ
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા 19 લોકોમાંથી 16 ની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં ‘જમ્મુ એન્ડ કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટી’ (JKJAAC) ના નેતા સરદાર ઉમર નઝીરના ભાઈ ઉસ્માન નઝીરનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ સમગ્ર PoJK માં ભારે રોષ અને તણાવની સ્થિતિ છે.સુરક્ષા દળોની આ દમનકારી કાર્યવાહીએ ત્યાંની સ્થિતિ વધુ સ્ફોટક બનાવી દીધી છે. પ્રજાના અવાજને દબાવવા માટે હથિયારોનો ઉપયોગ કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ ગેરકાયદે ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો ઉભા થયા છે.











