ઓપનિંગ બેટ્સમેન પ્રતિકા રાવલ પગની ઘૂંટીમાં ઈજા થવાને કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ICC મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025ના સેમિફાઇનલ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ઓપનિંગ બેટ્સમેન પ્રતિકા રાવલ પગની ઘૂંટીમાં ઈજા થવાને કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલી પ્રતિકાની જગ્યાએ આક્રમક બેટ્સમેન શેફાલી વર્માને ટીમમાં સામેલ કરવામાં આવી છે.
પ્રતિકાને બાંગ્લાદેશ સામેની અંતિમ લીગ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન જમણા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, જ્યારે તે ભીના મેદાનમાં બોલ રોકવા માટે દોડી રહી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે એક નિવેદનમાં આ ફેરફારની જાહેરાત કરી હતી. 25 વર્ષીય પ્રતિકાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને છ ઇનિંગ્સમાં 51.33ની સરેરાશથી 308 રન બનાવ્યા હતા.
પ્રતિકાના બહાર થવાથી ટીમની મુશ્કેલી વધી છે, પરંતુ શેફાલી વર્માના આવવાથી આક્રમકતા પાછી ફરવાની આશા છે. 21 વર્ષીય શેફાલીએ છેલ્લી વન-ડે મેચ જુલાઈ 2024માં રમી હતી. તે ભારત માટે 29 વન-ડે, પાંચ ટેસ્ટ અને 90 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકી છે. અનુમાન છે કે ગુરુવારે (30 ઓક્ટોબર) ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં શેફાલી સ્મૃતિ મંધાના સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.











