હવે સરકાર આ કાયદાઓમાં ફેરફાર કરીને ખાનગી કંપનીઓ માટે રોકાણનું વાતાવરણ વધુ અનુકૂળ બનાવવા માંગે છે.

નવી દિલ્હી, મંગળવાર
ભારત સરકાર દેશમાં પરમાણુ ઊર્જા ક્ષેત્રે ખાનગી કંપનીઓને સામેલ કરવા પર વિચાર કરી રહી છે. આ માટે, સરકાર હાલના કાયદાઓમાં ફેરફાર કરી શકે છે અથવા નવો કાયદો પણ લાવી શકે છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવાટ ન્યૂક્લિયર એનર્જીનો ટાર્ગેટ હાંસલ કરવાનો છે.
શું છે સરકારની નવી યોજના?
હાલમાં, ભારતમાં પરમાણુ ઊર્જા ક્ષેત્રે માત્ર સરકારી કંપનીઓ જ કામ કરી શકે છે. પરંતુ, સરકાર હવે આ સેક્ટરમાં ખાનગી કંપનીઓને પણ તક આપવા માંગે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર એવી કંપનીઓને પ્રાધાન્ય આપશે જેમની પાસે મોટા પ્રોજેક્ટ્સનો અનુભવ છે અને જેમની ફાઇનાન્સિયલ કન્ડિશન મજબૂત છે.
સરકાર આ કંપનીઓની પસંદગી માટે ચોક્કસ માપદંડો નક્કી કરશે. જેમાં, તેમની નાણાકીય સ્થિતિ, ટેકનિકલ ક્ષમતા, અનુભવ અને ભૂતકાળના રેકોર્ડનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ ઇવેલ્યુએશન સરકાર અથવા સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી કોઈ એજન્સી દ્વારા કરવામાં આવશે.
કાયદામાં કેમ ફેરફાર જરૂરી?
ખાનગી ક્ષેત્રને આકર્ષવા માટે બજેટમાં Atomic Energy Act અને Civil Liability for Nuclear Damage Actમાં સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ભૂતકાળમાં, લાયબિલિટી કાયદાને કારણે ખાનગી કંપનીઓ રોકાણ કરતા ખચકાતી હતી, કારણ કે તેમને ભય હતો કે કોઈ પરમાણુ અકસ્માત થાય તો તેમને પણ મોટું વળતર ચૂકવવું પડી શકે છે.
હવે સરકાર આ કાયદાઓમાં ફેરફાર કરીને ખાનગી કંપનીઓ માટે રોકાણનું વાતાવરણ વધુ અનુકૂળ બનાવવા માંગે છે.
2047 સુધી 100 ગીગાવાટનો ટાર્ગેટ
વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને પૂરો કરવા માટે સરકાર આ પગલું ભરી રહી છે. હાલમાં, ભારતમાં ભારતીય પરમાણુ ઊર્જા નિગમ (NPCIL) દ્વારા સંચાલિત 23 પ્લાન્ટ્સમાંથી લગભગ 8.8 ગીગાવાટની પરમાણુ ઊર્જા ક્ષમતા છે.
સરકારે 2032 સુધીમાં આ ક્ષમતાને 22 ગીગાવાટ સુધી પહોંચાડવાનો અને 2047 સુધીમાં 100 ગીગાવાટનો મહત્વાકાંક્ષી ટાર્ગેટ રાખ્યો છે. આ ટાર્ગેટને પહોંચી વળવા માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.











