રાહુલ ગાંધીએ OBC વર્ગને દેશની “ઉત્પાદક શક્તિ” ગણાવ્યો અને કહ્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય આ શક્તિને સન્માન આપવાનો છે.

નવી દિલ્હી, શુક્રવાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર જાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો છે. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસના OBC સંમેલનને સંબોધતા તેમણે સ્વીકાર્યું કે જાતિ ગણતરી ન કરાવવી તે તેમની જ ભૂલ હતી અને હવે તેઓ આ ભૂલ સુધારવા કટિબદ્ધ છે.
OBC વર્ગની સમસ્યાઓ સમજવામાં મુશ્કેલી
રાહુલ ગાંધીએ જણાવ્યું કે દલિતો અને આદિવાસીઓની સમસ્યાઓ સમજવી પ્રમાણમાં સરળ છે, પરંતુ OBC વર્ગના મુદ્દાઓ અને સમસ્યાઓ ઘણી જટિલ છે. તેમણે કહ્યું, “હું 2004થી રાજકારણમાં છું અને આજે જ્યારે પણ હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને લાગે છે કે મેં ઘણી ભૂલો કરી છે. સૌથી મોટી ભૂલ OBC વર્ગને લઈને થઈ છે.”
OBCનું રક્ષણ ન કરવા બદલ દુઃખ
રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તેમણે OBC વર્ગના લોકોનું તે રીતે રક્ષણ કર્યું નથી જે રીતે કરવું જોઈતું હતું. તેમણે સ્વીકાર્યું કે તેઓ OBC વર્ગની સમસ્યાઓ અને મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજી શક્યા નહોતા. જો તેમને OBC વર્ગના ઇતિહાસ, સંઘર્ષ, મુદ્દાઓ અને સમસ્યાઓ વિશે ખબર હોત, તો તેમણે જાતિ આધારિત વસતી ગણતરી કરાવી હોત. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ભૂલ કોંગ્રેસ પાર્ટીની નહીં, પણ તેમની અંગત હતી અને હવે તેઓ પોતાની ભૂલ સુધારવા જઈ રહ્યા છે.
ઉદ્દેશ્ય OBCને સન્માન આપવાનોઃ રાહુલ
રાહુલ ગાંધીએ OBC વર્ગને દેશની “ઉત્પાદક શક્તિ” ગણાવ્યો અને કહ્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય આ શક્તિને સન્માન આપવાનો છે. તેમણે તેલંગાણા જાતિ વસતી ગણતરીના ડેટાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેલંગાણામાં કોઈ પણ OBC, દલિત કે આદિવાસીને કરોડોના કોર્પોરેટ પેકેજ મળ્યા નથી, તેઓ ફક્ત MNREGAની કતારોમાં ઊભા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ આ લોકોને સન્માન આપવા અને તેમની ઉન્નતિ કરવા માંગે છે.











