રેલવે ટ્રેકથી માત્ર 5થી 10 મીટર નજીક શાકભાજી માર્કેટ ધમધમતું હોવાનો આક્ષેપ, સુરક્ષા અને રેલવે સંચાલન સામે જોખમની ચિંતા : અખિલ ભારતીય રેલ ઉપભોક્તા સંઘના અધ્યક્ષ યોગેશ મિશ્રએ પશ્ચિમ રેલવેના GM અને અમદાવાદ DRMને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી તથા ઉચ્ચસ્તરીય તપાસની કરી માંગ
દહેગામ, બુધવાર : અમદાવાદ મંડળ હેઠળના અસારવા-હિંમતનગર રેલવે ખંડ પર આવેલા નાંદોલ-દહેગામ રેલવે સ્ટેશન નજીક રેલવેની જમીન પર કથિત રીતે થયેલા દબાણનો મુદ્દો સામે આવ્યો છે. રેલવે ટ્રેકની નજીક રેલવેની જમીન પર શાકભાજી માર્કેટ ઊભું કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે આ દબાણ તાત્કાલિક દૂર કરવા રેલવેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
અખિલ ભારતીય રેલ ઉપભોક્તા સંઘના અધ્યક્ષ અને પશ્ચિમ રેલવેના પૂર્વ ZRUCC સભ્ય યોગેશ મિશ્રએ 17 ઓગસ્ટ, 2026ના રોજ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડે અને અમદાવાદ મંડળના મંડલ રેલ પ્રબંધક વેદ પ્રકાશને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ નાંદોલ-દહેગામ રેલવે સ્ટેશનથી હિંમતનગર તરફ આગળ વધતાં એલ.સી. ગેટ નંબર-28 નજીક રેલવેની જમીન પર કથિત રીતે દબાણ કરીને ટીનશેડ ઊભા કરી શાકભાજી માર્કેટ બનાવવામાં આવ્યું છે. પત્રમાં આ માર્કેટ રેલવે ટ્રેકથી અંદાજે માત્ર 5થી 10 મીટરના અંતરે હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે અખબારી અહેવાલમાં આ સ્થળ સ્ટેશનથી આશરે 200 મીટરના અંતરે હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
રજૂઆતકર્તાના જણાવ્યા પ્રમાણે શાકભાજી માર્કેટના કારણે અહીં લોકોની અવરજવર સાથે પશુઓની અવરજવર પણ વધી રહી છે. પશુઓ રેલવે ટ્રેક સુધી પહોંચી જાય તો અકસ્માત સર્જાવાની સાથે રેલવેના સંચાલનમાં પણ અવરોધ ઊભો થઈ શકે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રેલવેની જમીનને ભવિષ્યમાં વધુ દબાણથી બચાવવા બાઉન્ડ્રી વોલ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં એવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે સ્ટેશનની એક તરફ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી છે તો બીજી તરફ શા માટે બનાવવામાં આવી નથી ? આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓની સંભવિત મિલીભગત અંગે પણ આશંકા વ્યક્ત કરી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. જો કોઈની કૃપાદૃષ્ટિ કે મિલીભગતને કારણે દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી નથી તો તેની પણ તપાસ થવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે.
યોગેશ મિશ્રએ રેલવેની જમીનનો કથિત રીતે વ્યાવસાયિક ઉપયોગ થતો અટકાવી દબાણ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ રેલવે દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે તેમને સંપૂર્ણ જાણકારી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. હવે આ રજૂઆત બાદ પશ્ચિમ રેલવે અને અમદાવાદ રેલવે મંડળ દ્વારા દહેગામ રેલવે સ્ટેશન નજીકના કથિત દબાણ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર રહેશે.











