આ આર્ટિફિશિયલ બ્લડનો હજારો સસલાં પર સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેના પરિણામો ખૂબ જ સકારાત્મક રહ્યા છે. આગામી 2 વર્ષમાં માનવીઓ પર આ બ્લડનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામાં આવશે, જે મેડિકલ ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે.

અમદાવાદ, શુક્રવાર
મેડિકલ વિજ્ઞાનમાં એક મોટી સફળતા મળી છે! યુનિવર્સિટી ઑફ મેરીલેન્ડ સ્કૂલ ઑફ મેડિસિનના વૈજ્ઞાનિકોની ટીમે એક અનોખું આર્ટિફિશિયલ બ્લડ બનાવ્યું છે, જેને પાવડર સ્વરૂપમાં વર્ષો સુધી સંગ્રહિત કરી શકાય છે. આ શોધ ઈમરજન્સી સારવાર, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં અથવા યુદ્ધના મેદાનમાં, જીવન બચાવવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
માનવ શરીર માટે લાઇફલાઇનની શોધ
આપણા શરીરમાં હાથ-પગ, આંખ અને હૃદય જેવા ઘણા અંગો આર્ટિફિશિયલ રીતે બનાવી શકાય છે, પરંતુ રક્ત (બ્લડ) માટે હંમેશા માનવ દાતા પર નિર્ભર રહેવું પડતું હતું. બ્લડને પ્રોસેસ કરીને અન્ય દર્દીઓને ચઢાવવામાં આવતું હતું, જે ઘણીવાર સંગ્રહ અને પરિવહનનો મોટો પડકાર હતો. આ નવી શોધથી આ સમસ્યાનો કાયમી ઉકેલ મળ્યો છે. ખાસ કરીને ટ્રોમા પેશન્ટ્સને સ્થિર કરવા માટે ઈમરજન્સીમાં આ બ્લડ ખૂબ જ ઉપયોગી થશે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ ફંડ દ્વારા આ સંશોધનને મદદ મળી છે.
કેવી રીતે બન્યું આર્ટિફિશિયલ બ્લડ?
આ આર્ટિફિશિયલ બ્લડને પાવડરના રૂપમાં સંગ્રહિત કરવામાં આવશે અને જરૂર પડ્યે મેડિકલ ટીમ દ્વારા તેને પાણીમાં ભેળવીને પ્રવાહીમાં રૂપાંતરિત કરી શકાશે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરનાર ડૉ. એલન જણાવે છે કે, અમારી ટીમે હિમોગ્લોબિનમાંથી આ બ્લડ બનાવ્યું છે. હિમોગ્લોબિન એ એક પ્રોટીન છે જે શરીરમાં ઓક્સિજનનું વહન કરે છે. અમે નકામા બ્લડમાંથી હિમોગ્લોબિન કાઢીને તેને ફેટ બબલ્સમાં ટ્રાન્સફર કર્યું. આ પ્રક્રિયાથી અમે લાલ રક્તકણો (રેડ બ્લડ સેલ્સ) બનાવવામાં સફળ રહ્યા.
આ રેડ સેલ્સને પાવડર સ્વરૂપે સ્ટોર કરવામાં આવે છે, જેને ઈમરજન્સી ન આવે ત્યાં સુધી સુરક્ષિત રાખી શકાય છે. ડૉ. એલન વધુમાં સમજાવે છે કે, જ્યારે આ બ્લડની જરૂર પડે, ત્યારે મેડિકલ ટીમ આ પાવડરને પાણીમાં મિક્સ કરશે અને માત્ર 1 મિનિટમાં બ્લડ તૈયાર થઈ જશે. આ બ્લડને વર્ષો સુધી સાચવી શકાય છે અને તેનું પરિવહન પણ અત્યંત સરળ છે. આથી, અકસ્માત સ્થળે અથવા જ્યાં હોસ્પિટલ દૂર હોય તેવી કોઈપણ જગ્યાએ આ બ્લડ તાત્કાલિક આપી શકાય છે.
આર્મી માટે વરદાન
અમેરિકાની આર્મી દ્વારા આ આર્ટિફિશિયલ બ્લડનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે તેવી અપેક્ષા છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે આ સંશોધન માટે 58 મિલિયન અમેરિકન ડોલરનું જંગી રોકાણ કર્યું છે. યુદ્ધભૂમિ પર ઘાયલ સૈનિકોને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે આ બ્લડ અત્યંત ઉપયોગી સાબિત થશે. બ્લડ એક્સપાયર ન થતું હોવાથી તેની શેલ્ફ લાઇફ ખૂબ જ લાંબી છે. બ્લડ ક્લોટ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે પણ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોંધપાત્ર રોકાણ કરવામાં આવ્યું છે.











