સૌરાષ્ટ્ર-કચ્છ: ભારે વરસાદ માટે હજુ જોવી પડશે રાહ, 2 ઓગસ્ટ સુધી માત્ર છુટોછવાયો વરસાદ

પરેશ ગોસ્વામીના અંદાજ મુજબ 31 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે. આ 2 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે.

અમદાવાદ, બુધવાર
જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને ભારે વરસાદ માટે હજુ થોડી રાહ જોવી પડશે. હાલની સિસ્ટમ ગુજરાતથી દૂર ખસી રહી હોવાથી આગામી 2 ઓગસ્ટ સુધી આ વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા ઝાપટાં જ જોવા મળશે. ખાસ કરીને, ચાલુ ચોમાસામાં સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે આ સમાચાર ખેડૂતો અને સ્થાનિક લોકો માટે ચિંતાજનક છે.

બંગાળની ખાડીની સિસ્ટમ અને તેની અસર
બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ ગત શનિવાર રાતથી ગુજરાતમાં વરસાદ લાવી હતી. જોકે આ સિસ્ટમનો મુખ્ય ટ્રેક ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ રહ્યો હતો. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ સિસ્ટમ મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાંથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ટ્રેક પર આગળ વધી, જેના પરિણામે આ ભાગોમાં સારો વરસાદ નોંધાયો.

પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છને આ સિસ્ટમનો ખાસ લાભ મળ્યો નથી. ગોસ્વામીના જણાવ્યા અનુસાર, સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતથી દૂર જઈ નબળી પડી રહી છે.

આગામી 2 દિવસની આગાહી
પરેશ ગોસ્વામીના અંદાજ મુજબ 31 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે. આ 2 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે.

જોકે, 1 અને 2 ઓગસ્ટ દરમિયાન ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ફક્ત હળવા સામાન્ય ઝાપટાં જ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

શા માટે સૌરાષ્ટ્ર-કચ્છ રહ્યા વંચિત?
હવામાન નિષ્ણાતે સ્પષ્ટતા કરી કે અગાઉની આગાહીમાં બે સંભવિત ટ્રેક દર્શાવવામાં આવ્યા હતા એક દક્ષિણ ગુજરાત ઉપરથી સૌરાષ્ટ્ર થઈને પસાર થવાનો અને બીજો મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતને અસર કરવાનો. ગત શનિવારે આવેલી સિસ્ટમ બીજા ટ્રેક પર આગળ વધી, જે મધ્ય પ્રદેશ બોર્ડરથી મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ હતી. આ જ કારણ છે કે સૌરાષ્ટ્ર-કચ્છ આ વખતે મોટા વરસાદથી વંચિત રહ્યા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!