Social Media Ban: ફ્રાન્સ સરકારે બાળકોના ડિજિટલ સ્વાસ્થ્ય માટે લીધો મોટો નિર્ણય. 15 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધનું બિલ મંજૂર. જાણો આ નિર્ણય પાછળના મુખ્ય કારણો.

ફ્રાન્સ, બુધવાર
આજના સમયમાં નાના બાળકોના હાથમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા હોવું એ સામાન્ય વાત થઈ ગઈ છે, પરંતુ તેની ગંભીર અસરો હવે દુનિયાભરના દેશોને ચિંતામાં મૂકી રહી છે. આ દિશામાં એક મોટું અને કડક પગલું ભરતા ફ્રાન્સની સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીએ એક નવો કાયદો પસાર કર્યો છે, જે મુજબ હવે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં.
બાળકોના ડિજિટલ સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે આખરે ફ્રાન્સને આવો કડક નિર્ણય કેમ લેવો પડ્યો?
શા માટે લેવાયો આ કડક નિર્ણય?
ફ્રાન્સ સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયાના કારણે બાળકોમાં ઓનલાઇન બુલિંગ (માનસિક પજવણી) અને હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. આ પ્લેટફોર્મ્સ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરી રહ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને અગાઉ પણ યુવાનોમાં વધતી જતી આક્રમકતા માટે સોશિયલ મીડિયાને જવાબદાર ગણાવ્યું હતું.
રાષ્ટ્રપતિ મેક્રોન ઈચ્છે છે કે આગામી શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં, એટલે કે સપ્ટેમ્બર મહિના પહેલા આ કાયદો સમગ્ર દેશમાં કડકાઈથી લાગુ થઈ જાય.
બાળકો માટે એક લક્ષ્મણ રેખા જરુરી
સંસદમાં આ બિલ રજૂ કરતી વખતે સાંસદ લોર મિલરે બહુ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે બાળકો હવે ભણવામાં ઓછું અને સોશિયલ મીડિયામાં વધારે ધ્યાન આપી રહ્યા છે. આ કાયદો સમાજમાં એક સ્પષ્ટ સીમા અથવા લિમિટ નક્કી કરશે. તેમણે બાળકો પર સોશિયલ મીડિયાની આડઅસરો વિશે વાત કરતા નીચે મુજબના મુદ્દા ટાંક્યા હતા, બાળકોનું વાંચન પહેલા કરતા ઘણું ઘટી ગયું છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગથી તેમની ઊંઘમાં મોટો ઘટાડો થયો છે. સોશિયલ મીડિયા પર બીજાના ફોટા અને રીલ્સ જોઈને બાળકો સતત પોતાની સરખામણી બીજા સાથે કરે છે, જેના કારણે તેઓ ડિપ્રેશન અને માનસિક તણાવનો શિકાર બની રહ્યા છે.
દુનિયાભરમાં ઓસ્ટ્રેલિયા મોડલની ચર્ચા
બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાની શરૂઆત માત્ર ફ્રાન્સે જ નથી કરી. ફ્રાન્સ પહેલા ઓસ્ટ્રેલિયાએ પણ ડિસેમ્બર મહિનાથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. દુનિયાભરના દેશો હવે ઓસ્ટ્રેલિયાના આ મોડલનો અભ્યાસ કરી રહ્યા છે.
હાલમાં બ્રિટન, ડેનમાર્ક, સ્પેન અને ગ્રીસ જેવા દેશો પણ આવા કાયદા લાવવા માટે વિચારણા કરી રહ્યા છે. એટલું જ નહીં, આખું યુરોપિયન યુનિયન (EU) હવે સમગ્ર યુરોપ માટે સોશિયલ મીડિયા વાપરવાની એક લઘુત્તમ ઉંમર નક્કી કરવા પર ગંભીરતાથી વિચારી રહ્યું છે.
તમામ પક્ષોનો મળ્યો ટેકો
સામાન્ય રીતે રાજકીય પક્ષો વચ્ચે મતભેદ જોવા મળતા હોય છે, પરંતુ આ મુદ્દે ફ્રાન્સના તમામ પક્ષો એકસાથે જોવા મળ્યા. આ નિર્ણયને સંસદમાં અને લોકોમાં ભારે સમર્થન મળ્યું છે. દક્ષિણપંથી સાંસદ થિએરી પેરેઝે તો આ પરિસ્થિતિને હેલ્થ ઈમરજન્સી ગણાવી છે. તેમણે કહ્યું કે, “સોશિયલ મીડિયાએ ભલે લોકોને બોલવા માટે મંચ આપ્યું હોય, પરંતુ તેની સૌથી મોટી કિંમત આપણા બાળકોએ ચૂકવવી પડી રહી છે.











