ગાંધીનગરના અંબાપુરમાં ધોળા દિવસે પ્રેમલગ્નની અદાવતમાં પરિણીતાનું અપહરણ. પતિને ભાડાની ગાડીના બહાને બોલાવી માર માર્યો અને ફિલ્મી ઢબે પત્નીને ઉઠાવી ગયા. રાફેલ સહિત 9 સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. વાંચો વિગતે.

ગાંધીનગર, ગુરૂવાર
ગાંધીનગર શહેરના છેવાડે આવેલા અંબાપુર ગામમાં જાણે કોઈ સાઉથની ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેવી ઘટના સામે આવી છે. અહીં પ્રેમલગ્નની અદાવત રાખીને ધોળા દિવસે એક પરિણીતાનું અપહરણ કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, અપહરણકારોએ પહેલા પતિને પેસેન્જરના બહાને બોલાવી માર માર્યો અને તેને બંધક બનાવી ઘરે લઈ જઈ પત્નીને ઉઠાવી ગયા હતા. આ સમગ્ર મામલે અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
શું છે સમગ્ર ઘટના?
ગાંધીનગરના અંબાપુર ગામમાં બ્રિજ રેસિડેન્સીમાં રહેતા અમન શંભુકુમારસિંહ ચૌહાણ ઓલા-ઉબરમાં ડ્રાઈવિંગ કરીને ગુજરાન ચલાવે છે. ગત 27 જાન્યુઆરીની સાંજે અમનને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનું નામ મનીષ જણાવ્યું હતું અને હાથીજણ જવા માટે ભાડું નક્કી કરવા અમનને રાયસણ PDPU રોડ પર આવેલી ‘શાહી સિગડી’ રેસ્ટોરન્ટ પાસે બોલાવ્યો હતો.
અમન જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં અગાઉથી જ એક સફેદ કલરની સ્વિફ્ટ કાર ઉભી હતી. તેમાંથી 4 શખ્સો ઉતર્યા અને અમન સાથે ઝપાઝપી કરી તેની ગાડીની ચાવી ઝૂંટવી લીધી. અપહરણકારોએ અમનને બળજબરીથી પોતાની ગાડીમાં બેસાડી દીધો અને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું.
પત્નીને બ્રેઝા ગાડીમાં ઉઠાવી ગયા
આરોપીઓએ અમનને માર મારી પૂછપરછ કરી કે તેની પત્ની ભાવના ક્યાં છે? ત્યારબાદ આ ટોળકી અમનને બંધક બનાવીને અંબાપુર તેના ઘરે લઈ જવા નીકળી હતી. રસ્તામાં રાજધાની હોટલ પાસે અન્ય એક સફેદ કલરની બ્રેઝા ગાડી પણ આ કાફલામાં જોડાઈ હતી. સાંજે આશરે 5:30 વાગ્યાના સુમારે બંને ગાડીઓ અમનના ઘર પાસે પહોંચી હતી.
ત્યાં પહોંચીને આરોપીઓએ અમનની 27 વર્ષીય પત્ની ભાવનાને જબરદસ્તી સાથે આવવા દબાણ કર્યું હતું. જોકે, ભાવનાબેને જવાની ના પાડતા અને સાસરિયાઓએ વિરોધ કરતા મામલો બીચક્યો હતો. આખરે, આરોપીઓએ ભાવનાબેનને ટીંગાટોળી કરી (ઊંચકીને) બળજબરીથી સફેદ બ્રેઝા ગાડીમાં બેસાડી દીધા હતા અને ફિલ્મી ઢબે અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.
પ્રેમલગ્ન બન્યા દુશ્મનીનું કારણ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રેમલગ્ન છે. અમન પહેલા સરગાસણ નેનો સિટીમાં રહેતો હતો, જ્યાં તેની મુલાકાત મૂળ રાજસ્થાનના ભીલમાલની વતની અને ડિવોર્સી ભાવના નાથુરામ દરજી સાથે થઈ હતી. બંને વચ્ચે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, ભાવનાના પરિવારજનો આ સંબંધની વિરુદ્ધ હતા. તમામ વિરોધ વચ્ચે બંનેએ તાજેતરમાં 16 જાન્યુઆરીના રોજ દહેગામના પ્રમુખ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે પ્રેમલગ્ન કરી લીધા હતા. આ વાત યુવતીના પરિવારને ખૂંચતી હતી.
પોલીસ એક્શન અને તપાસ
ઘટના બન્યા બાદ અમનના મિત્ર રિઝવાન શેખ પર રાફેલ નામના શખ્સનો ફોન આવ્યો હતો. તેણે કબૂલાત કરી હતી કે ભાવના હાલ તેમના કબજામાં (પરિવાર સાથે) છે અને બે-ત્રણ દિવસમાં પરત આવી જશે.
આ ગંભીર બનાવ અંગે અડાલજ પીઆઈ એલ.ડી. ઓડેદરાએ જણાવ્યું હતું કે, “રાફેલ સહિત કુલ 9 શખ્સો સામે અપહરણ અને મારમારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં એક શંકાસ્પદ ઈસમની અટકાયત કરી પૂછપરછ ચાલુ છે. જ્યારે મુખ્ય આરોપીઓને પકડવા માટે પોલીસની એક ટીમને તાત્કાલિક રાજસ્થાન રવાના કરવામાં આવી છે.”











