સુરતના સિટી લાઈટ રોડ પર કાર પર પડ્યું મહાકાય વૃક્ષ! 4 લોકો ઈજાગ્રસ્ત, વેગનઆરનો કચ્ચરઘાણ

સુરત શહેરના પોશ વિસ્તાર સિટી લાઈટ રોડ પર બુધવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. SBI સર્કલ નજીક અચાનક મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં રસ્તા પરથી પસાર થતી બે કાર તેની નીચે આવી ગઈ હતી.

સુરત શહેરના પોશ વિસ્તાર સિટી લાઈટ રોડ પર બુધવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. SBI સર્કલ નજીક અચાનક મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં રસ્તા પરથી પસાર થતી બે કાર તેની નીચે આવી ગઈ હતી. આ ઘટનામાં વેગનઆર કારમાં સવાર ડ્રાઈવર સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી.

SBI સર્કલ પાસે અચાનક ધરાશાયી થયું વૃક્ષ

મળતી માહિતી મુજબ, સિટી લાઈટ રોડ પર SBI સર્કલ નજીક વાહનોની અવરજવર ચાલુ હતી. તે દરમિયાન અચાનક રસ્તા પાસે આવેલું વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષની ભારે ડાળીઓ અને થડનો ભાગ રસ્તા પરથી પસાર થતી બે કાર પર પડ્યો હતો.

આ અકસ્માતમાં મારુતિ વેગનઆર અને બલેનો કાર વૃક્ષની ઝપેટમાં આવી ગઈ હતી. વૃક્ષનો સૌથી ભારે ભાગ વેગનઆર કાર પર પડતાં તેની છત દબાઈ ગઈ હતી. કારના પાછળના ભાગને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. બીજી બાજુ બલેનો કારને પણ નુકસાન થયું હતું.

વેગનઆરમાં સવાર ચાર લોકો અંદર ફસાયા

અકસ્મિક રીતે વૃક્ષ કાર પર પડતાં વેગનઆરમાં સવાર લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. કારની છત દબાઈ જતાં ડ્રાઈવર સહિત ચાર લોકો અંદર ફસાઈ ગયા હતા. તમામને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

ઘટનાનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ બચાવ કામગીરીમાં મદદ કરી અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સની ટીમે ચારેય ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

ફાયર વિભાગે કટર મશીનથી વૃક્ષ હટાવ્યું

ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ સ્થળ પર પહોંચી હતી. સબ ફાયર ઓફિસર કિશોર પટેલ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ફાયર વિભાગના જવાનોએ કટર મશીનની મદદથી વૃક્ષની મોટી ડાળીઓ કાપવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ વૃક્ષ નીચે દબાયેલી કારને બહાર કાઢવામાં આવી હતી. આ દરમિયાન અઠવા ઝોનના બાગાયત વિભાગના હોર્ટિકલ્ચર સુપરવાઈઝર અક્ષય પટેલની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.

રસ્તા પર ટ્રાફિક જામ, કામગીરી બાદ વાહનવ્યવહાર શરૂ

વૃક્ષ ધરાશાયી થતાં સિટી લાઈટ રોડ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. રસ્તા પર વૃક્ષની મોટી ડાળીઓ અને કાર ફસાઈ જવાથી વાહનોની અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી.

ફાયર વિભાગ અને બાગાયત વિભાગની ટીમે સંયુક્ત કામગીરી કરીને વૃક્ષ અને તેની ડાળીઓ હટાવી હતી. વૃક્ષનો લાકડાનો ભાગ બાગાયત વિભાગને સોંપવામાં આવ્યો હતો. રસ્તા પરથી કાટમાળ દૂર કર્યા બાદ વાહનવ્યવહાર ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો.

આ ઘટનાને પગલે શહેરના વ્યસ્ત માર્ગો પર વૃક્ષોની સ્થિતિ અને સલામતી અંગે પણ સવાલો ઊભા થયા છે. જોકે, વૃક્ષ કયા કારણોસર ધરાશાયી થયું તે અંગે સત્તાવાર કારણ સામે આવ્યું નથી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!