ઓપરેશન સિંદૂર દરમિયાન ચીનની નજર ગુજરાતના સંવેદનશીલ વિસ્તારો પર હોવાનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. બેંગલુરુ સ્થિત સ્પેસ સર્વેલન્સ કંપની દિગંતારા (Digantara)ના વિશ્લેષણને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે

ઓપરેશન સિંદૂર દરમિયાન ચીનની નજર ગુજરાતના સંવેદનશીલ વિસ્તારો પર હોવાનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. બેંગલુરુ સ્થિત સ્પેસ સર્વેલન્સ કંપની દિગંતારા (Digantara)ના વિશ્લેષણને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે ચીનના ત્રણ સર્વેલન્સ સેટેલાઈટ ગુજરાતના દરિયાકાંઠા અને સૈન્ય મથકોની આસપાસ નજર રાખી રહ્યા હતા.
આ સેટેલાઈટમાં નિન્ગ્શિયા-14, ગાઓફેન-11 અને યાઓગાન-30નો સમાવેશ થાય છે. ખાસ કરીને ભુજ, નલિયા અને જામનગરના વિસ્તારો પર તેમની નજર કેન્દ્રિત હતી.
10 અને 11 મેના રોજ ગુજરાત પર ખાસ નજર
ધ પ્રિન્ટના અહેવાલ મુજબ, 10 અને 11 મે 2025ના રોજ આ ત્રણ ચીની સેટેલાઈટ ગુજરાતના દરિયાકાંઠા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂરને લઈને સૈન્ય તણાવ ચાલી રહ્યો હતો.
આ સેટેલાઈટની નજરમાં ભારતીય વાયુસેનાનાં મથકો, નૌકાદળનાં સ્થળો, બંદરો અને અન્ય મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ આવી શકે તેવી સ્થિતિ હતી.
જામનગરની રિફાઈનરી પણ દેખરેખના વિસ્તારમાં
અહેવાલમાં જણાવાયું છે કે ચીનના સેટેલાઈટની નજર હેઠળ જામનગરમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશાળ રિફાઈનરી પણ આવી શકે તેવી સ્થિતિ હતી.
ભુજ અને નલિયા ભારતીય વાયુસેનાનાં મહત્ત્વપૂર્ણ મથકો ધરાવે છે. જ્યારે ગુજરાતનો પશ્ચિમ દરિયાકાંઠો નૌકાદળ અને વેપારી બંદરોની દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે.
આ કારણે ગુજરાતનો દરિયાકાંઠો ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને ઊર્જા વ્યવસ્થા માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે.
યાઓગાન સેટેલાઈટે બદલ્યું હતું ભ્રમણકક્ષાનું અંતર
અહેવાલ મુજબ, 7 મે 2025ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારે યાઓગાન-43 01G સહિતના કેટલાક ચીની સેટેલાઈટની ભ્રમણકક્ષામાં ફેરફાર નોંધાયો હતો. આ ફેરફારને કારણે ભારતીય સૈન્ય મથકો પર વધુ સમય સુધી નજર રાખવાની તક મળી હોવાનું વિશ્લેષણમાં જણાવાયું છે.
આ સેટેલાઈટ માત્ર તસવીરો જ નહીં, પરંતુ રડાર અને સંચાર વ્યવસ્થામાંથી નીકળતા ઇલેક્ટ્રોનિક સંકેતોની માહિતી મેળવવાની ક્ષમતા પણ ધરાવે છે.
શું ચીને માહિતી પાકિસ્તાનને આપી હતી?
આ સમગ્ર મામલે સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે ચીન દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડવામાં આવી હતી કે નહીં. જોકે, અત્યાર સુધીના અહેવાલમાં આ માહિતી સીધી પાકિસ્તાનને મોકલવામાં આવી હોવાનો કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી.
સુરક્ષા નિષ્ણાતોના મતે, સેટેલાઈટ દ્વારા એકત્રિત કરવામાં આવતી માહિતી સૈન્યની હિલચાલ અને દરિયાઈ સંપત્તિઓની સ્થિતિ સમજવામાં ઉપયોગી થઈ શકે છે. આ ખુલાસો ભારતનાં મહત્ત્વપૂર્ણ સૈન્ય અને ઔદ્યોગિક મથકોની અવકાશ આધારિત દેખરેખ સામેના પડકારને ઉજાગર કરે છે.











