આશુતોષનો પરિવાર મૂળ ઓડિશાનો વતની છે અને સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા વિજય લક્ષ્મીનગરમાં રહે છે. તેના પિતા વિનોદ પ્રધાન મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાના એકના એક દીકરાને ગુમાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

સુરત, શુક્રવાર
સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પોતાના જ જન્મદિવસના દિવસે 16 વર્ષીય વિદ્યાર્થી આશુતોષે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાએ પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરાવી દીધી છે.
પ્રાથમિક માહિતી મુજબ, ભેસ્તાનના વિજય લક્ષ્મીનગરમાં રહેતો 16 વર્ષીય આશુતોષ ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. આજે તેનો જન્મદિવસ હોવાથી તેના પિતા કેક લઈને ઘરે આવ્યા હતા. જોકે, ઘરે પહોંચતા જ તેમને દીકરો ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ દ્રશ્ય જોઈને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આશુતોષે કયા કારણોસર આટલું મોટું પગલું ભર્યું, તે અંગે કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી સામે આવી નથી.
આત્મહત્યાનું કારણ અકબંધ
ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આશુતોષના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે તેમ જણાવાયું છે.
આશુતોષનો પરિવાર મૂળ ઓડિશાનો વતની છે અને સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા વિજય લક્ષ્મીનગરમાં રહે છે. તેના પિતા વિનોદ પ્રધાન મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાના એકના એક દીકરાને ગુમાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જન્મદિવસ હોવાથી પરિવારના તમામ સભ્યો આશુતોષને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા, પરંતુ એક જ ક્ષણમાં તેમની તમામ ખુશીઓ દુઃખમાં ફેરવાઈ ગઈ.
પરિવાર પર આભ ફાટ્યું
પોલીસે આપેલી વિગતો અનુસાર, 16 વર્ષીય આશુતોષ ઉધના વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સનરાઈઝ સ્કૂલમાં ધોરણ 9માં ભણતો હતો. તેના પિતા મજૂરી કામ કરે છે, માતા હાઉસવાઈફ છે અને મોટી બહેન હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. આ ઘટનાથી આખો પરિવાર વિખેરાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. આશુતોષે શા માટે આત્મહત્યા કરી તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઘટનાએ સમાજમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેમના પર આવતા દબાણ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.











