યુવકના ડૂબી જવાની જાણ થતા જ આસપાસના લોકો દ્વારા તાત્કાલિક દહેગામ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

દહેગામ, રવિવાર
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં સાંપા ગામ પાસે આવેલા નેપા તળાવમાં ડૂબી જવાથી એક યુવકનું મોત નીપજ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દહેગામ તાલુકાના વર્ધાના મુવાડા ગામનો રહેવાસી અજીત ભૂપતભાઈ દેવીપૂજક ઉંમર આશરે 20-25 વર્ષ બપોરે સાંપા ગામ પાસે પોતાના બકરા ચરાવવા આવ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર તે નેપા તળાવમાં ડૂબી ગયો હતો.
યુવકના ડૂબી જવાની જાણ થતા જ આસપાસના લોકો દ્વારા તાત્કાલિક દહેગામ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ઓફિસર સૂર્યોદયસિંહ રાઠોડ, ફાયરમેન ધર્મેન્દ્રસિંહ, અને ધર્મવીરસિંહની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘણી જહેમત બાદ તળાવમાંથી યુવક અજીત દેવીપૂજકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આ ઘટના અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકના અકાળે અવસાનથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ દ્વારા યુવકના ડૂબી જવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.











