ગુજરાત હાઈકોર્ટના 2 ન્યાયાધીશોની ટ્રાન્સફરના આદેશ જારી: જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટ અને જસ્ટિસ સી.એમ. રોયની આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરાઈ. એડવોકેટ એસોસિએશનના વિરોધ છતાં કેન્દ્ર સરકારે કોલેજિયમની ભલામણને મંજૂરી આપી. જાણો આ બદલી પાછળના મુખ્ય કારણો અને સમગ્ર ઘટનાક્રમ.

અમદાવાદ, બુધવાર
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણને મંજૂરી આપીને ગુજરાત હાઈકોર્ટના 2 મહત્ત્વના ન્યાયાધીશોની બદલીના આદેશ જારી કર્યા છે. આ નિર્ણય મુજબ, ન્યાયાધીશ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે, જ્યારે ન્યાયાધીશ સી.એમ. રોયને તેમની મૂળ હાઈકોર્ટ એટલે કે આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પાછા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
જસ્ટિસ રોયની બદલી એક રીતે ‘પેરેન્ટ હાઈકોર્ટ’માં પરત ફરવા જેવી છે. તેમની ટ્રાન્સફર નવેમ્બર 2023માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાંથી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, અને હવે તેમને ફરી પાછા આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા છે.
દેશભરમાં 11 ન્યાયાધીશોની બદલી: ગુજરાતના 2 જજ સામેલ
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 25મી ઓગસ્ટ અને 26મી ઓગસ્ટના રોજ યોજાયેલી બેઠકમાં દેશભરની 14 હાઈકોર્ટના ન્યાયાધીશોની બદલી માટે ભલામણ કરી હતી. આ કુલ ભલામણોમાંથી 2 ન્યાયાધીશો ગુજરાત હાઈકોર્ટ સાથે જોડાયેલા હતા. કેન્દ્ર સરકારે દેશભરમાં 11 ન્યાયાધીશોની બદલીને અંતિમ મંજૂરી આપી દીધી છે, જેમાં ગુજરાતના આ બંને ન્યાયાધીશોનો સમાવેશ થાય છે.
જસ્ટિસ સંદીપ ભટ્ટની ટ્રાન્સફરનો કેમ થયો હતો વિરોધ?
ન્યાયાધીશ સંદીપ ભટ્ટની ટ્રાન્સફરનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો, કારણ કે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા તેમની બદલીની ભલામણનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.
GHCAA દ્વારા ઓગસ્ટ મહિનામાં જસ્ટિસ સંદીપ ભટ્ટના પ્રસ્તાવિત ટ્રાન્સફરના વિરોધમાં કોર્ટની કાર્યવાહીનો અનિશ્ચિત સમય માટે બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 500થી વધુ વકીલોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
એસોસિએશને આ વર્ષે 26 ઓગસ્ટના રોજ સીજેઆઈ (CJI) અને જસ્ટિસ બીઆર ગવઈને ભલામણ પર પુનર્વિચાર કરવા માટે વિનંતી પણ કરી હતી.
જસ્ટિસ સંદીપ ભટ્ટ ન્યાયતંત્રમાં પારદર્શિતા વધારવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે. તેમણે કોર્ટ રજિસ્ટ્રીમાં સીસીટીવી કેમેરા લગાવવાનો અને રજિસ્ટ્રીના કામકાજની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, જે પગલાં તેમની તરફેણમાં વકીલોના સમર્થનનું એક મુખ્ય કારણ ગણાય છે.
કોલેજિયમ દ્વારા 14 ન્યાયાધીશોની બદલીની ભલામણ કરવામાં આવી હતી, જેમાંથી જસ્ટિસ સંદીપ ભટ્ટને મધ્યપ્રદેશ હાઈકોર્ટ અને જસ્ટિસ સી.એમ. રોયને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ વિરોધ છતાં, કેન્દ્ર સરકારે અંતે સુપ્રીમ કોર્ટની ભલામણ પર મહોર લગાવી દીધી છે.











