અલાસ્કામાં થયેલી અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિઓ વચ્ચેની બેઠક પર વિશ્વની નજર હતી. ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ રશિયા-યુક્રેન યુદ્ધ પર શાંતિ લાવવાનો હતો, પરંતુ બેઠક બાદ પણ કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી. આ બેઠકમાં શું થયું, ચાલો કરીએ એક નજર

અલાસ્કા, શનિવાર
મીટિંગનું સ્થળ અલાસ્કા હતું, જે અમેરિકાનો ભાગ છે. રસપ્રદ વાત એ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા વ્લાદિમીર પુતિને પ્રેસ કોન્ફરન્સ કરી. આ ઘટના પરથી ફોક્સ ન્યૂઝના પત્રકાર જેકી હેનરિકે કહ્યું કે મીટિંગમાં પુતિનનો પ્રભાવ વધુ હતો અને તેઓ તેમની વાત રજૂ કરીને ચાલ્યા ગયા હોય તેવું લાગ્યું.
મીટિંગની મુખ્ય વાતો
1) આ બેઠક અલાસ્કાના જોઇન્ટ બેઝ એલ્મેન્ડોર્ફ-રિચર્ડસન એરબેસ પર થઈ, જે એક સમયે શીતયુદ્ધ દરમિયાન રશિયા પર નજર રાખવાનું મુખ્ય સ્થળ હતું. આ બેઠક બાદ કોઈ પણ પ્રકારનો યુદ્ધવિરામ કરાર થયો નથી.
2) કોઈ સત્તાવાર સમજૂતી ન થઈ હોવા છતાં બંને નેતાઓએ તેમના દેશોની રાજનીતિ મુજબ નિવેદનો આપ્યા. ટ્રમ્પ એવું દર્શાવવા માંગતા હતા કે તેમણે શાંતિ માટે પહેલ કરી, જ્યારે પુતિને મીટિંગમાં વર્ચસ્વ દર્શાવીને એવું બતાવ્યું કે વાતચીત તેમની શરતો પર થઈ છે.
3) મીટિંગ પછી, બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી, પણ કોઈ સવાલનો જવાબ આપ્યો નહીં. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે આ બેઠકમાં ટ્રમ્પ સાથે વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ હાજર હતા.
4) પુતિનની ટીમમાં અનુભવી રાજદ્વારીઓ હતા, જેમણે રશિયાની સ્થિતિ મજબૂત રીતે રજૂ કરી.
5) ટ્રમ્પે કહ્યું કે, બેઠક “ખૂબ ઉપયોગી” હતી અને “ઘણા મુદ્દાઓ પર સમજૂતી” થઈ છે, અને ભવિષ્યમાં વધુ વાતચીત થશે.
6) પુતિને સૌપ્રથમ મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે વાતચીત “રચનાત્મક અને પરસ્પર આદરપૂર્ણ” માહોલમાં થઈ.
7) ટ્રમ્પે ચીન જેવા દેશો પર રશિયન તેલ ખરીદવા માટે ટેરિફ લગાવવાની ધમકી આપી. તેમણે કહ્યું કે જો યુક્રેન યુદ્ધ ખતમ નહીં થાય તો રશિયા અને તેના ગ્રાહક દેશો પર પ્રતિબંધો લગાવવામાં આવશે. ભારત પર પહેલાથી જ 25 ટકાનો ટેરિફ લગાવેલો છે.
8) ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે પુતિને કહ્યું કે અમેરિકાના ચૂંટણીમાં હેરાફેરી એટલા માટે થઈ કારણકે ત્યાં પોસ્ટલ બેલેટ સિસ્ટમ છે.
9) અલ જઝીરાના પત્રકાર જેમ્સ બોયઝે કહ્યું કે, આ બેઠકના અસલી વિજેતા પુતિન છે, કારણકે યુદ્ધવિરામ પર કોઈ સમજૂતી ન થઈ અને ભવિષ્યમાં વધુ બેઠકોની આશા વધી.
10) ટ્રમ્પે જણાવ્યું કે, યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી, પુતિન, અને તેઓ પોતે મળીને ત્રિપક્ષીય બેઠક કરી શકે છે.











