આ દુર્ઘટનાએ ફરી એકવાર જીવનની અનિશ્ચિતતા અને નશ્વરતાનો કડવો પાઠ શીખવ્યો છે. સમગ્ર ગાંધીનગર આ શોકમાં બ્રહ્મભટ્ટ પરિવાર સાથે છે.

ગાંધીનગર, સોમવાર : અમદાવાદ પાસે થયેલી ભયાવહ પ્લેન દુર્ઘટનાએ અનેક પરિવારોને શોકમાં ગરકાવ કરી દીધા છે. આ દુર્ઘટનામાં ગાંધીનગર અને કલોલના કુલ સાત લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં શહેરના સેક્ટર 24માં રહેતા બ્રહ્મભટ્ટ દંપતીનો પણ સમાવેશ થાય છે. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
DNA મેચ થતાં મૃતદેહો ગાંધીનગર લવાયા
બ્રહ્મભટ્ટ દંપતી પોતાના 14 વર્ષના દીકરા અને 12 વર્ષની દીકરીને ગાંધીનગરના સેક્ટર 24 સ્થિત નિવાસસ્થાને મૂકીને લંડન જવા રવાના થયા હતા. જોકે, તેમનો આ પ્રવાસ અધૂરો રહ્યો. પ્લેન ક્રેશ થતાં 250થી વધુ મુસાફરોના મોત થયા, જેમાં આ દંપતી પણ કાળનો કોળિયો બની ગયું. લાંબી રાહ જોયા બાદ, તેમના DNA સેમ્પલ મેચ થતાં, બન્નેના મૃતદેહોને સેક્ટર 24 સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા.
“કોણ કોને છાનું રાખે ?”
દંપતીની અંતિમયાત્રા જ્યારે તેમના ઘરેથી નીકળી, ત્યારે વાતાવરણ અત્યંત ગમગીન અને કરુણ બની ગયું હતું. એકસાથે બે અર્થી ઊઠતા જોઈને પરિવારના સભ્યો પર જાણે આભ ફાટી પડ્યું હતું. કોણ કોને છાનું રાખે? તેવો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકોની આંખોમાં પણ આંસુ હતા. દંપતીના નિધનથી તેમના બે માસૂમ બાળકો અનાથ બન્યા છે, જેમના ભવિષ્યને લઈને પરિવારજનો ચિંતિત છે.











