કૈમૂર જિલ્લાના બજાર સમિતિ મોહનિયા સ્થિત મતગણતરી કેન્દ્રની બહારનું વાતાવરણ શુક્રવારે અચાઆનક અત્યંત તણાવપૂર્ણ બની ગયું હતું.

બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન રામગઢ વિધાનસભા બેઠક હેઠળના કૈમૂર જિલ્લાના બજાર સમિતિ મોહનિયા સ્થિત મતગણતરી કેન્દ્રની બહારનું વાતાવરણ શુક્રવારે અચાનક અત્યંત તણાવપૂર્ણ બની ગયું હતું. સવારથી જ મોટી સંખ્યામાં ઉમેદવારોના સમર્થકો કેન્દ્રની બહાર એકઠા થયા હતા, અને જેમ અંતિમ રાઉન્ડમાં મતોના અંતરને લઈને ગણતરીમાં પેચ ફસાયો, તેમ ભીડ ઉશ્કેરાઈ ગઈ. જોતજોતામાં પોલીસ અને સમર્થકો વચ્ચે ઝપાઝપી (Clash) અને પથ્થરમારો શરૂ થયો હતો, જેના કારણે ત્રણ પોલીસકર્મીઓના માથા ફાટી ગયા અને તેઓ ઘાયલ થયા હતા.
પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે લાઠીચાર્જ કર્યો, પરંતુ તેનાથી સમર્થકો વધુ ઉશ્કેરાયા અને બેરિકેડિંગ તોડીને તેઓ મુખ્ય દરવાજા સુધી પહોંચી ગયા. આ અફરાતફરી અને હિંસા વચ્ચે કેટલાક નારાજ સમર્થકોએ તકનો લાભ લઈને નગર આવાસ અને વિકાસ કાર્યપાલક અધિકારીની સ્કોર્પિયો કારને આગ ચાંપી દીધી હતી, જેના કારણે સ્થળ પર ગભરાટ અને ભાગદોડ મચી ગઈ હતી. અંતે, આ બેઠક પર બસપાના સતીશ કુમાર સિંહે માત્ર ૩૦ મતોના નજીવા અંતરથી જીત મેળવી હતી. હાલમાં પ્રશાસને પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે વધારાનો પોલીસ ફોર્સ તૈનાત કરીને સુરક્ષા વધારી દીધી છે.











