અમદાવાદ રથયાત્રામાં હાથીઓ કેમ બેકાબૂ બન્યા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે આપ્યું વિગતવાર કારણ!

હાથી સંવેદનશીલ પ્રાણી છે. તેમની સામે તેમને ન ગમતી હરકત કે વર્તણૂક કરવાથી તેઓ ગુસ્સે થઈ શકે છે. રસ્તે જતા હાથીને અડવાની કે છંછેડવાની ભૂલ કરવી ન જોઈએ. જ્યારે હાથી શાંતિથી અને સ્થિર ઉભો હોય ત્યારે જ તેની પાસે જવું સલાહભર્યું છે. સૂંઢ, કાન કે પૂંછડીને અડવાથી હાથી અસહજ અનુભવી શકે છે.

અમદાવાદ, શનિવાર
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ત્રણ હાથી બેકાબૂ બન્યાની ઘટનાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી રથયાત્રામાં અચાનક હાથીઓ ગુસ્સે ભરાઈને રસ્તાઓ પર દોડવા લાગતા ભક્તોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, મહાવત અને ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટના સમયસરના પ્રયાસોથી હાથીઓને કાબૂમાં લઈ લેવામાં આવતા કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના બાદ અનેક લોકોના મનમાં સવાલ થઈ રહ્યા હતા કે આખરે હાથીઓ કેમ બેકાબૂ બન્યા અને તેમને ગુસ્સો કેમ આવ્યો?

હાથી બેકાબૂ થવા પાછળનું મુખ્ય કારણ
રથયાત્રા દરમિયાન તીવ્ર અવાજ અને ભારે ભીડ જોઈને એક માદા હાથી ડરી ગઈ હતી. આ ડરેલી માદા હાથીને જોઈને રથયાત્રામાં સામેલ એક નર હાથીએ ‘રિએક્શન’ આપ્યું. નિષ્ણાંતે સમજાવ્યું કે, આ નર હાથી માદા હાથીને સુરક્ષા આપવા અને તેને ઓછી ભીડવાળા સ્થળ તરફ લઈ જવા માટે દોડવા લાગ્યો.

આ એક સહજ પ્રક્રિયા છે, જેમ કે કોઈ જોખમ સમયે મનુષ્ય પોતાના પરિવારનું રક્ષણ કરવાનો પ્રયાસ કરે છે, તેવી જ રીતે નર હાથી તેની બે માદા હાથીઓને ભીડથી દૂર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટનાને હાથીના ગુસ્સા તરીકે નહીં, પરંતુ તેમના સ્વભાવિક રક્ષણાત્મક વર્તન તરીકે જોવી જોઈએ.

હાથી ગુસ્સે થવાના અથવા અસામાન્ય વર્તન કરવાના અન્ય કારણો
હાથીઓ સામાન્ય રીતે શાંતિપ્રિય પ્રાણીઓ હોય છે, પરંતુ અમુક પરિસ્થિતિઓમાં તેઓ અસામાન્ય વર્તન કરી શકે છે. હાથીઓને ભીડ પસંદ નથી. રથયાત્રા જેવી ઇવેન્ટ્સમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી અને મોટા અવાજે વાગતી ડીજે સાઉન્ડ સિસ્ટમ શાંત વાતાવરણથી ટેવાયેલા હાથીઓમાં અકળામણ પેદા કરી શકે છે. હાથીઓ જ્યારે તણાવમાં હોય ત્યારે તેમના કાન ફફડાવવા, સૂંઢ હલાવવી અને ભીડથી દૂર જવાનો પ્રયાસ જેવા ઉત્તેજનાના ચિહ્નો દેખાઈ શકે છે. લોકોને આ ચિહ્નો ઘણીવાર આક્રમકતા અથવા ગુસ્સા તરીકે દેખાઈ શકે છે, જેનું ખોટું અર્થઘટન થવાની શક્યતા રહે છે. માણસોની જેમ, હાથીઓ પણ અજાણ્યા સ્થળે અસહજ અનુભવે છે. આસપાસના વાતાવરણથી અજાણ પ્રાણીઓ ગભરાટ અને દિશાહિન બનવાની સંભાવના વધારે હોય છે, જેના કારણે તેઓ અણધાર્યું વર્તન કરી શકે છે.

હાથીને કાબૂમાં કેવી રીતે લેવાય છે?
ગુસ્સે ભરાયેલા કે બેકાબૂ થયેલા હાથીને કાબૂમાં લેવા માટે ઘણા રાજ્યોમાં ‘કુમકી હાથી’નો સહારો લેવાય છે. કુમકી હાથી સામાન્ય રીતે માદા હોય છે અને તેઓ જંગલી હાથીઓ કરતા વધુ તાકાતવર હોય છે. તેમને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી તેઓ આવા કટોકટીના સમયે મદદરૂપ થઈ શકે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!